અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કહ્યું હતું કે રાજ્યના ગરીબ બાળકોના શિક્ષણની જવાબદારી સરકાર, શિક્ષક અને સમાજની છે. એટલે જ આ વખતે પાછલા વર્ષોની સરખામણીમાં સૌથી વધુ ૨૭ હજાર કરોડની ફાળવણી શિક્ષણ માટે કરવામાં આવી છે. શાળાઓમાં ભૌતિક સુવિધાઓ સાથે શિક્ષણની ગુણવત્તા વધે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતની પ્રાથમિક શાળાઓની ગુણવત્તા સારી બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુણોત્સવની પરંપરા શરૂ કરી હતી. શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી તેનું ગ્રેડેશન કરવામાં આવે છે. ગત વખતના ગુણોત્સવ દરમિયાન કુલ સાત હજાર શાળાઓને એ ગ્રેડ પ્રાપ્ત થયો હતો. રૂપાણી મિશન વિદ્યા અંતર્ગત લોધિકા તાલુકાની મોટાવડા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ સુધારામાં સરકારે લીધેલા પગલાં અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે ગુણોત્સવમાં એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે બાળકો વાંચન, ગણન અને લેખનમાં અસક્ષમ છે. તેના ઉપચારાત્મક પ્રયાસરૂપે રાજ્ય સરકારે હવે મિશન વિદ્યા શરૂ કર્યું છે. જેને જારી કરવામાં આવશે. શાળાઓમાં એક કલાક વધુ શિક્ષણ કાર્ય કરવામાં આવનાર છે. નબળા વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણન શિખવવામાં આવશે. આવા છાત્રોને પ્રિય બાળકો ગણવામાં આવશે અને શિક્ષકો આ પ્રિય બાળકોની વિશેષ તકેદારી રાખશે.