દેશમાં તાજેતરમાં સરકાર હસ્તકના ઘઉં-ચોખાના સ્ટોકમાં ઘટાડો નોંધાયો છે તથા આ પ્રશ્ને સરકારમાં અજંપો પણ વધ્યો છે. અનાજ બજારમાં તાજેતરમાં ભાપ પણ ઉંચા જતા જોવા મળ્યા છે. આ પ્રશ્ને હવે કેન્દ્ર સરકાર દ્વારા લાંબાગાળાના પગલાં ભરવા વિચારણા શરૂ થઈ છે. દેશમાં વિશ્વની સૌથી મોટી અનાજ સ્ટોરેજ સિસ્ટમ ઊભી કરવાની દિશામાં પણ સરકારે પ્રયત્નો શરૂ કર્યાના વાવડ મળ્યા છે.
આ વર્ષના આરંભથી રશિયા તથા યુક્રેન વચ્ચે વોરના પગલે વિશ્વ ભરમાં અનાજની હેરફેર તથા પુરવઠાને પ્રતિકૂળ અસર પડી છે તથા વિશ્વના ઘણા દેશોમાં અનાજની છત-અછતની સ્થિતિ ઊભી થતાં ફુગાવો પણ ખાસ્સો વધી ગયો છે અને વધતા ફુગાવાને નાથવા વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ તાજેતરમાં છાશવારે વ્યાજ દર વધારવા માંડયા છે. દિલ્હીથી મળતા સમાચાર મુજબ દેશમાં ચાલતી વિવિધ સ્કીમોને મર્જ કરી એક છત્ર હેઠળ લાવી વિશ્વની મોટામાં મોટી ગ્રેન સ્ટોરેજ યોજના બનાવવા સરકારે વિચારણા શરૂ કરી છે.
કોવિડના બે વર્ષ અનિશ્ચિતતા ભર્યા નિવડયા પછી આ વર્ષે રશિયા-યુક્રેન વોરના પગલે અનિશ્ચિતતા આગળ વધતાં સરકાર પરિસ્થિતિમાંથી બહાર આવી લાંબાગાળાનો વ્યુહ બનાવવા પ્રયત્નો કરતી થઈ છે. મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર, કન્ઝયુમર અફેર્સ, ફુડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ફુડ પ્રોસેસીંગ વિ. વિવિધ મંત્રાલયોની વિવિધ સ્કીમો એક છત્ર હેઠળ લાવી વિશ્વની સૌથી મોટી અનાજ સ્ટોરેજ સ્કીમની રચના કરવાની દિશામાં આ પ્રયત્નો શરૂ થયા છે. દેશમાં અનાજ સલામતી મજબુત બનાવવા આ પગલું ઉપાડવામાં આવી રહ્યું છે.
વિશ્વમાં ઘઉં, જવ તથા ખાતરમાં રશિયા તથા યુક્રેન મહત્ત્વનો પુરવઠો પૂરો પાડનાર દેશો મનાય છે. ભારતમાં વાવાતેરનો વિસ્તાર વધુ છે પરંતુ હેકટરદીઠ પેદાશ વિશ્વની સરખામણીએ ઓછી રહી છે. તથા અનાજના સંગ્રહ માટેની ક્ષમતા પણ વ્યસ્થિત નથી. આ વ્યવસ્થામાં આધુનિકરણ કરવાની પણ આવશ્યકતા છે. સિલોમાં સ્ટોરેજ ક્ષમતા વધારવી જરૂરી હોવાનું કૃષી ક્ષેત્રના એનાલીસ્ટો જણાવી રહ્યા છે. ભારતમાં અનાજનો સ્ટોક સરકાર હસ્તકના ગોદામોમાં તાજેતરમાં ઘટી પાંચ વર્ષના તળિયે પહોંચ્યો છે. વિવિધ સરકારી યોજનાઓ હેઠળ મફત અનાજ વિતરણ ૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ સુધી કરવામાં આવનાર છે. આમાં આશરે ચાર ટ્રીલીયન રૂપિયાનો ખર્ચ થનાર છે. આમાં રાજ્ય સરકારો પણ ખર્ચમાં ભાગ આપવાની છે. ખાતરની ઘટેલી ઉપલબ્ધતાથી પણ સરકારે ચિંતા બતાવી છે.