અમદાવાદ : આજે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓની હડતાળને પગલે રાજયના લાખો મુસાફરો રઝળી પડયા છે અને સરકાર તેમને મનાવવાના બનતા તમામ પ્રયાસોમાં જાતરાઇ છે ત્યારે ત્યાં પડતાં પર પાટું માર્યું હોય તેમ હવે રાજયના પ્રાથમિક શિક્ષકો પણ હડતાળના મૂડમાં આવ્યા છે અને તેમની નોકરી સંળગ ગણવા સહિતની માંગણીઓને લઇ આવતીકાલે સામૂહિક હડતાળની ચીમકી ઉચ્ચારતાં રાજય સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. આવતીકાલે રાજયના એક હજારથી વધુ સિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરવા પહોંચવાના છે ત્યારે રાજય સરકારે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે સાંજે એક બેઠકનું આયોજન કરી સમજાવટના પ્રયાસો શરૂ કર્યા હતા.
જો કે, સરકાર તરફથી યોગ્ય હૈયાધારણ મળશે તો ઘી ના ઠામમાં ઘી પડશે, અન્યથા આવતીકાલથી શિક્ષકો પણ માસ સીએલ પર ઉતરી હડતાળનું શસ્ત્ર ઉગામશે. સને ૧૯૯૭થી સળંગ સિનિયોરીટી ગણવા અંગેની પ્રાથમિક શિક્ષકોની વર્ષો જૂની માંગણી સહિતના પડતર પ્રશ્નોનો હજુ ઉકેલ નહી આવતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લા-તાલુકા કક્ષાએ ધરણાં સહિતના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવતા હતા પરંતુ તેમછતાં સરકારની આંખો નહી ખુલતાં હવે સંઘ દ્વારા આવતીકાલથી હડતાળના લડાયક મૂડની જાહેરાત કરી હતી. આવતીકાલે રાજયના સવા બે લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો હડતાળ પર જાય તેવી શકયતા છે. આ સિવાય ૧૦ હજારથી વધુ શિક્ષકો ગાંધીનગર પહોંચી વિધાનસભાનો ઘેરાવ કરે તેવા કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. વારંવારની રજૂઆત છતાં શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
દરમ્યાન પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ૧૯૯૭થી ફિક્સ પગારના શિક્ષકોને સંળગ ગણવાની માંગ સાથે આવતીકાલે એટલે કે શુક્રવારે ગુજરાતના સવા બે લાખ શિક્ષકો માસ સીએલ ઉપર જશે. આ પહેલા પણ સરકારે શિક્ષકોની નોકરી સળંગ ગણવા કહ્યું હતું પરંતુ હજી કંઇ જ સંતોષકારક પરિણામ આવ્યું નથી. જેના પગલે માસ સીએલનો નિર્ણય કરવામા આવ્યો છે. બીજીબાજુ, શિક્ષકોની હડતાળની ચીમકીને પગલે સરકાર દ્વારા રાજય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે મોડી સાંજે બેઠકોનો દોર યોજી તેમને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જા સરકાર તરફથી સમાધાનકારી નિકાલની હૈયાધારણ મળશે તો, એલાન મોકૂફ રખાય તેમ મનાય છે અન્યથા પોતાની માંગણીઓને લઇ શિક્ષક સંઘ હડતાળ પર મક્કમ છે.