કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની ૪૭મી બેઠક ૨૮-૨૯ જૂને યોજાવાની છે. છ મહિના બાદ કાઉન્સિલની બેઠક મળી રહી છે. ત્યારે કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈની અધ્યક્ષતાવાળી સમિતિએ અનેક ઉત્પાદનો અને સેવાઓ પર જીએસટી દર વધારવાની ભલામણ કરી છે. ે પ્રિન્ટિંગ, લેખન અને ડ્રોઇંગની શાહી, છરી, ચમચી, પ્લેટ અને અન્ય કટલરી પર જીએસટી ૧૨થી વધારીને ૧૮ ટકા કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ડેરી મશીનરી, એલઇડી લેમ્પ્સ, ડ્રોઇંગ ઇન્સ્ટ્રૂમેન્ટ પર પણ જીએસટી વધારીને ૧૮ ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. બીજી તરફ સોલર વોટર હીટર અને લેધર પર જીએસટી ૫થી વધારીને ૧૨ ટકા કરવાનું સૂચન પણ થયું છે.
કેટલીક આઉટસોર્સ સેવાઓ પરના જીએસટી દરમાં પણ વધારો થવાની ધારણા છે. અમુક બી ટુ બી ટ્રાન્ઝેક્શન પર પણ ટેક્સ છૂટ પાછી ખેંચવાની ભલામણ કરવામાં આવી છે. નોન-ઇકોનોમી ક્લાસમાં નોર્થ ઇસ્ટ અને બાગડોગરાની હવાઇ મુસાફરી અને રેલવે કે સડક માર્ગે પરિવહન સેવાઓ પર કરમુક્તિ દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ આ બેઠકમાં જીએસટી કાઉન્સિલ કસીનો, ઓનલાઇન ગેમ્સ અને રેસકોર્સ પર ૨૮ ટકા જીએસટીની વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કરે તેવી શક્યતા છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની આગેવાની હેઠળના બીજા સમૂહ ભલામણ કરી છે કે, કેસિનોમાં ખેલાડીઓ દ્વારા મૂકવામાં આવેલા વ્યક્તિગત દાવ પર નહીં પણ ખરીદવામાં આવેલી ચિપ્સ અથવા કોઇન્સના મૂલ્ય પર ૨૮ ટકા જીએસટી લાગુ થવો જોઈએ. પ્રસ્તાવ મુજબ ઓનલાઈન ગેમિંગના કિસ્સામાં ખેલાડીએ ભાગ લેવા માટે ચૂકવેલી રકમ પર ૨૮ ટકાના દરે જીએસટી લાગવો જોઈએ. પેનલે કેસિનો, ઓનલાઇન ગેમ્સ અને રેસ કોર્સ પર ૨૮ ટકા જીએસટી લાગુ કરવાનું સૂચન કર્યું છે. પેનલની ભલામણ છે કે, એક વખત કેસિનોમાં કોઇન્સ કે ચિપ્સની ખરીદી પર જીએસટી લાગી જાય પછી દાવના દરેક રાઉન્ડ પર વધુ જીએસટી થવો ન જોઈએ.