અમદાવાદ : પરપ્રાંતીયોની ઉત્તર ભારત તરફ જવાની દોટ હજુ ચાલુ જ છે, તેના કારણે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ જઈ રહી છે. આજે અમદાવાદથી ઉપડતી અને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોનું વેઇટિંગ રપ૦ ને પાર થઇ ગયુ હતું. આ માત્ર રિઝર્વેશનની વાત છે, જ્યારે જનરલ કોચની ટિકિટોના વેચાણમાં પણ જબ્બર ઉછાળો આવ્યો છે. છેલ્લા ચાર -પાંચ દિવસથી રોજની ૧૦ હજારથી વધુ અનરિઝર્વ્ડ રેલ ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે.
બીજીબાજુ, સરકાર અને પોલીસ દ્વારા સુરક્ષાની ખાતરી છતાં રાજયમાંથી પરપ્રાંતીયોની હિજરત ચાલુ રહેતાં સરકારની ચિંતા વધી છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન પ૦ હજારથી વધુ અનરિઝર્વ્ડ રેલ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે. કેટલાક પ્રવાસીઓ અમદાવાદ સિવાય આસપાસના સ્ટેશનથી ટ્રેનમાં જગ્યા મળે તે માટે ર્બોડિંગ કરી રહ્યા છે. આટલી બધી ટિકિટોનું વેચાણ એ એકમાત્ર પરપ્રાંતીયો સાથે બનેલી ઘટના જ નથી, પરંતુ નજીકના સમયમાં આવી રહેલો છઠપૂજનનો તહેવાર અને દિવાળી પણ વધુ બે કારણ ગણવામાં આવે છે. રેલવેનાં સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસ દરમિયાન ઉત્તર ભારત જતી ટ્રેનોની ટિકિટનું વેચાણ મોટી સંખ્યામા વધ્યું છે. ઓગસ્ટ અને જુલાઈ મહિનામાં એવરેજ ટિકિટોનું વેચાણ બે લાખ આસપાસ હતું.
જયારે આ મહિનામાં પાંચ જ દિવસનું એવરેજ વેચાણ બે લાખથી વધુ થયું છે. તે પરપ્રાંતીય મુસાફરો જ છે કેમ તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલમાં માહોલ ઠીક નહીં લાગતાં વતન તરફ જતા પ્રવાસીઓની સંખ્યા પણ મોટી છે તે બાબત નોંધનીય છે. કેટલાક કિસ્સામાં તેઓ અંગત કારણસર પણ જઈ રહ્યા હોય તેવું બની શકે છે. આ માત્ર રેલવે સ્ટેશનની વાત છે એટલે કે રેલ પ્રવાસીઓની વાત છે. બીજી તરફ એસટી બસો પણ સામાન્ય રીતે તહેવારોની સિઝન ઉનાળુ અને દિવાળી વેકેશનમાં ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ જતી હોય છે. અત્યારે ગુજરાતના માહોલ ઉપરાંત અનેક અંગત કારણસર રેલ પ્રવાસીઓની સંખ્યામાં બમણાથી વધુનો વધારો થયો છે.