પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને ગળાના ભાગે છરી મારી દીધી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

રાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ વિક્રમ પાંડેસર નામના પ્રેમીએ યુવતીને ગળાના ભાગે છરી મારી દીધી હતી. બાદમાં વિક્રમે પણ પોતાના ગળાના ભાગે છરી હુલાવી દઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંને યુવક-યુવતીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન છરી માર્યા બાદનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક યુવાન વિક્રમને સમજાવી રહ્યો છે અને વિક્રમના હાથમાં છરી જોવા મળી રહી છે. રોડ પર યુવતી તરફડીયા મારી રહી છે. બાદમાં યુવક તેને ઉંચકીને ત્યાંથી લઇ જાય છે. રાજકોટના લોધિકા જીઆઇડીસીમાં આ ઘટના બની હતી. વિક્રમે યુવતીને લગ્ન કરવાનું કહ્યું હતું. પરંતુ યુવતીએ લગ્નની ના પાડતા જ વિક્રમ ઉશ્કેરાયો હતો અને ગળા ભાગે છરીનો ઘા મારી દીધા હતા. બાદમાં પોતે પણ ગળાના ભાગે છરી હુલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

વિક્રમે યુવતીને છરી મારતા પહેલા કહ્યું હતું કે, તારા વગર મારી જિંદગી અધૂરી છે. આ અંગેની જાણ થતા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી બંનેના નિવેદન નોંધ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે, બિહારની યુવતી મેટોડામાં તેના બહેન-બનેવી સાથે રહી કારખાનામાં કામ કરે છે. જ્યારે ઉત્તરપ્રદેશનો વિક્રમ પાંડેસર મેટોડા જીઆઇડીસીમાં છેલ્લા ૧૦ વર્ષથી રહે છે. અને હાલમાં તે આર.કે.ગંગા નામના કારખાનામાં કામ કરે છે. એક વર્ષ પહેલા વિક્રમ અગાઉ જે કારખાનામાં કામ કરતો હતો તે કારખાનામાં યુવતી પણ કામ કરતી હતી અને બંને વચ્ચે ઓળખાણ થઇ હતી. યુવતીના અગાઉ લગ્ન થયા હતા અને વિક્રમ અવારનવાર યુવતીને લગ્ન કરવાનું કહેતો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

Share This Article