અમદાવાદ : રાજકોટ માર્કેટિંગયાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની અધ્યક્ષતામાં ચાલુ ટર્મની અંતિમ બેઠક મળી હતી. જેમાં મગફળીકાંડના મુખ્ય સૂત્રધાર અને બેડી માર્કેટ યાર્ડના ડિરેકટર મગન ઝાલાવાડિયાનું ડિરેક્ટર પદ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ પણ સરકાર તરફથી મગન ઝાલાવાડિયાને ડિરેકટર પદેથી દૂર કરવાની દરખાસ્ત મૂકાઇ હતી. આ દરખાસ્તને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી છે. જો કે એક મહિનામાં મગન ઝાલાવડિયા દ્વારા હાઇકોર્ટ અથવા સરકાર પાસે આ મુદ્દે અપીલ કરવામાં આવે તેવી પૂરતી શક્યતા છે.
સૌરાષ્ટ્રના ગુજકોટના મેનેજર મગન ઝાલાવાડિયા ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ધુળ-ઢેફાની ભેળસેળ સહિત પુરાવાઓમાં આગ લગાડવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા હોઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. બાદમાં સરકારે તેને યાર્ડના ડિરેક્ટર પદેથી દૂર કરવાની દરખાસ્ત મૂકી હતી. આજે બેડી યાર્ડના સભ્યોની બેઠકમાં સર્વાનુમતે મગનને ડિરેક્ટર પદેથી દુર કરવાની મંજુરી આપવામાં આવતા તેનુ પદ રદ કરવામા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, માર્કેટિંગ યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની મુદ્દત જાન્યુઆરીમાં પૂર્ણ થાય છે.
ત્યારે આગામી બે મહિનામાં ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. અગાઉ રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં રૂ.૨૦ કરોડની કિંમતના બારદાન આગમાં સળગી ગયા હતા, એટલું જ નહી, મગફળીના જથ્થામાં ધૂળના ઢેફા ભેળવી દઇ બારોબાર વેચી મારવાના પ્રકરણમાં રાજકોટ પોલીસે ગુજકોટના મેનેજર મગન ઝાલાવાડિયા સહિત આઠ જણાં સામે ફરિયાદ દાખલ કરી હતી. પાછળથી સમગ્ર પ્રકરણમાં વધુ નામો ખૂલતાં પોલીસે ૩૦ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.