અમદાવાદ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો વિધિવત્ ખેસ ધારણ કર્યો હતો. આ સાથે જ શંકરસિંહ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં પાછા ફરશે કે, ભાજપનો કેસરિયો પુનઃ ધારણ કરશે તેવી અટકળોનો અંત આવ્યો હતો. અમદાવાદમાં આજે શંકરસિંહ વાઘેલા એનસીપી પ્રમુખ શરદ યાદવની હાજરીમાં સત્તાવાર રીતે એનસીપીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં એનસીપીના નેતા પ્રફુલ પટેલ, એનસીપી ગુજરાતના પ્રમુખ જયંત બોસ્કી પણ હાજર રહ્યા હતા. હતા. શંકરસિંહને પક્ષે એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકેની બહુ મહત્વની જવાબદારી સોંપવાન જાહેરાત કરી હતી.
દરમ્યાન એનસીપીમાં જોડાયા બાદ શંકરસિંહે જણાવ્યું કે, ગુજરાતના લોકોને ભાજપના શાસનથી બચાવવા હું એનસીપીમાં જાડાયો છું. દેશમાં અત્યારે લોકશાહી અને લોકશાહીની સંસ્થાઓનું અસ્તિત્વ જોખમમાં છે ત્યારે રાજકારણમાં બિનસક્રિય રહેવું યોગ્ય નહી લેખાય, તેથી હું મારી ભૂમિકા ભજવવા આવ્યો છું. શંકરસિંહ વાઘેલાએ ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો અને બાદમાં કોઈપણ પક્ષમાં જોડાયા ન હતા. ગુજરાતના દિગજ્જ નેતાઓમાં શંકરસિંહ વાઘેલાની ગણતરી થાય છે અને તેઓ જનતા પાર્ટી બનાવીને ૧૨૫ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા.
પરંતુ લગભગ તમામ સભ્યોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘથી રાજકીય સફર શરૂ કરનાર વાઘેલા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા અને તેઓ કોંગ્રેસમાં મંત્રી પદે પણ રહ્યા હતા. પાર્ટીએ તેમને કેન્દ્રીય મંત્રીથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીની જવાબદારી સોંપી હતી. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પોતાને સીએમ પદના ઉમેદવાર જાહેર ના કરાતા બાપૂએ કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો હતો. શંકરસિંહ વાઘેલાનો જન્મ તા.૨૧ જુલાઇ ૧૯૪૦ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. શંકરસિંહ ૧૯૭૭, ૧૯૮૯, ૧૯૯૧, ૧૯૯૯, ૨૦૦૪ એમ પાંચવાર લોકસભાના સાંસદ અને ૧૯૮૪માં રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. શંકરસિંહ ૧૯૯૬માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આમ, શંકરસિંહ વાઘેલાએ તેમની રાજકીય કારકિર્દી દરમ્યાન પાંચ મહત્વની પાર્ટીઓ બદલી નાંખી છે ત્યારે રાજકારણમાં તેમનો અનુભવ બહોળો અને બહુ મહત્વનો છે તે વાત પણ નકારી શકાય તેમ નથી.