વિદેશ પ્રધાન એસ જયશંકરે જર્મન સમકક્ષ એનાલેના બિયરબોક સાથેની બેઠક બાદ રશિયામાંથી ભારતની તેલની આયાતનો મજબૂત બચાવ કરતાં કહ્યું કે, જેમ યુરોપ ઉર્જા જરૂરિયાતોને પોતાની પ્રાથમિકતાઓ અનુસાર પસંદગી કરી શકતું નથી, તેવી જ રીતે ભારતને તે કરવા માટે પણ વધુ કંઈ કહી શકાય નહીં. જયશંકરે કહ્યું કે, યુરોપિયન યુનિયન ભારત કરતાં ૬ ગણું વધુ તેલ રશિયા પાસેથી આયાત કરે છે. આ ઉપરાંત કોલસાની આયાત પણ ભારત કરતા ૫૦ ટકા વધુ છે.
જયશંકર અને જર્મન વિદેશ મંત્રી વચ્ચે પાકિસ્તાનનો મુદ્દો પણ ઉછળ્યો હતો. જેના પર જયશંકરે બેધડક કહ્યું કે, આતંકવાદના ઉકેલ વિના પાકિસ્તાન સાથે વાતચીત થઈ શકે નહીં. ભારત અને જર્મનીએ સોમવારે ઉર્જા, વેપાર, આબોહવા પરિવર્તન અને યુક્રેન સંકટ સહિતના વૈશ્વિક મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર વિગતવાર ચર્ચા કરી હતી અને વ્યાપક સ્થળાંતર અને ગતિશીલ ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાતનો બચાવ કરતા વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે, યુરોપિયન દેશોએ છેલ્લા નવ મહિનામાં જેટલી ખરીદી કરી છે, તેના છઠ્ઠા ભાગની જ ભારતે ખરીદી કરી છે. બંને દેશોએ ઈન્ડો-પેસિફિક, યુક્રેન કટોકટી, અફઘાનિસ્તાનની સ્થિતિ, પાકિસ્તાન સંબંધિત મુદ્દાઓ, સીરિયાની સ્થિતિ સહિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બિયરબોક સાથે દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠક બાદ જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બિયરબોક સાથેના સંયુક્ત પ્રેસ સંબોધનમાં જયશંકરે કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે વેપાર વધારવા અંગેની ચર્ચા યુક્રેન સંઘર્ષથી પણ ઘણા સમય પહેલાં શરૂ થઈ હતી. રશિયાથી ક્રૂડ ઓઈલની આયાત અંગે પણ કહ્યું કે, તે બજાર સંબંધિત પરિબળો દ્વારા સંચાલિત છે.
ફેબ્રુઆરીથી નવેમ્બર સુધી યુરોપિયન યુનિયને રશિયા કરતાં વધુ અશ્મિભૂત ઇંધણની આયાત કરી છે. જયશંકરે કહ્યું કે, “હું સમજું છું કે યુક્રેનમાં સંઘર્ષની સ્થિતિ છે. હું એ પણ સમજું છું કે યુરોપ પાસે એક વિચાર છે અને યુરોપ તેની પોતાની પસંદગીઓ કરશે અને તે યુરોપનો અધિકાર છે, પરંતુ યુરોપ તેની પસંદગી મુજબ ઊર્જાની જરૂરિયાતો અંગે પસંદગી કરે અને પછી ભારતને કંઈક બીજું કરવાનું કહે છે. યુરોપ દ્વારા પશ્ચિમ એશિયામાંથી તેલ ખરીદવા માટે પણ દબાણ કરવામાં આવ્યું છે. તેમને પૂછવામાં આવ્યું કે ભારત શા માટે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે.
બીજી બાજુ, બિયરબોકે કહ્યું, જ્યારે વિશ્વ મુશ્કેલ સંજોગોનો સામનો કરી રહ્યું છે, ત્યારે આપણા માટે સાથે મળીને આગળ વધવું મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન સાથે વાતચીતની શરત નોંધનીય છે કે બિયરબોક બે દિવસની મુલાકાતે સોમવારે ભારત પહોંચી હતી. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારતે માત્ર ચાર દિવસ પહેલા જ G20 સંગઠનનું ઔપચારિક અધ્યક્ષ પદ સંભાળ્યું છે. જયશંકરે કહ્યું, અમે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી, જેમાં સરહદ પારના આતંકવાદનો મુદ્દો પણ સામેલ છે. જયશંકરે તેમના જર્મન સમકક્ષ એનાલેના બિયરબોકની હાજરીમાં આ ટિપ્પણી કરી અને કહ્યું કે બર્લિન આ વાત સમજે છે.