નાસાએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી પ્રથમ રંગીન કોસ્મિક ઇમેજ રિલીઝ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આ ફોટો સૌથી પહેલા જોયો હતો. આ તસવીર જેમ્સ વેબ ટેલિસ્કોપમાંથી લેવામાં આવી છે, જે વિશ્વનુ સૌથી મોટુ અને સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ છે. આ તસવીર નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવી છે. ફોટામાં જગ્યાને ખૂબ જ વિગતવાર ક્લિક કરવામાં આવી છે અને નાના કણો પણ જોઈ શકાય છે.
તસવીર જાહેર કરતાં જો બાઈડેને કહ્યુ કે આજનો દિવસ અમેરિકા અને સમગ્ર માનવતા માટે ઐતિહાસિક દિવસ છે, સૌથી ઐતિહાસિક ક્ષણ છે. કમલા હેરિસે પણ આ તસવીર વિશે કહ્યુ કે તે આપણા બધા માટે રોમાંચક ક્ષણ છે. અવકાશમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યુ કે અમે ૧૩ અબજ વર્ષથી વધુ પાછળ જોઈ રહ્યા છીએ. તમે ચિત્રમાં જે પ્રકાશ જુઓ છો તે ૧૩ અબજ વર્ષોથી પ્રવાસ કરી રહ્યો છે. નાસાએ કહ્યુ કે આ તસવીરો સાથે વેબ સાયન્સ ઑપરેશનની સત્તાવાર શરૂઆત થશે, જે આ મિશન હેઠળ વિજ્ઞાન થીમ પર વધુ સંશોધન કરવાનુ ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે જેમ્સ વેબ ટેલિસ્કોપથી લેવામાં આવેલી તસવીર પર છેલ્લા ૬ મહિનાથી કામ ચાલી રહ્યુ હતુ.