ગઈકાલે બપોરે નવી દિલ્હી-વિશાખાપટ્ટન ‘એપી એક્સપ્રેસ’માં આગ લાગતાં ટ્રેનના બે કોચ બળી ગયા હતા, જો કે મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવતા કોઇ જ જાનહાનિ થઇ નહોતી, એમ રેલવેના અધિકારીઓએ કહ્યું હતું. કેટલાક મુસાફરોએ કોચમાં ધુમાડો જોતાં ઇમર્જન્સી ચેન ખેંચી હતી અને લોકો સલામાત રીતે ઉતરી ગયા હતા.
ત્યાર પછી ફાયરફાઇટરો આવતા આગ પર કાબુ મેળવી શકાયો હતો. રેલવેના સૂત્રોએ કહ્યું હતું કે જે કોચમાં આગ લાગી હતી તેમાં આઇએએસ અને આઇપીએસના કેટલાક તાલીમાર્થી પણ પ્રવાસ કરી રહ્યા હતા. તેમની સતર્કતાના કારણે મોટા દુર્ઘટના ટળી હતી. જે કોચમાં આગ લાગી હતી તે પેન્ટ્રી કારની પાછળ જ હતા.
શરૃઆતમાં તો મુસાફરો શેનો ધુમાડો છે તે સમજી શક્યા જ નહોતા, પણ જ્યારે ખબર પડી કે ખરેખર આગ લાગી છે તો આ તાલીમાર્થીઓ એ ચેન ખેંચીને ટ્રેનને રોકી હતી. ૩૭ નાયબ કલેકટરો આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. બી-૬ અને બી-૭ કોચમાં આગ લાગી હતી. પાછળથી જે કોચમાં આગ લાગી હતી તેમને ટ્રેનમાંથી અલગ કરી દેવામાં આવ્યા હતા.
બપોરે ૩:૩૫ મિનિટે ટ્રેન બે કોચની છોડીને તેની મુસાફરીએ રવાના કરાઇ હતી. એક અધિકારીએ કહ્યું હતું કે આગના કારણો શોધવા એક ટીમની રચના કરાઇ હતી. તપાસ પછી જ આગના કારણોની ખબર પડશે.