ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા મત વિભાગની મતદાર યાદી માટે ૧ જાન્યુઆરી-૨૦૧૮ની લાયકાતની તારીખના સદર્ભમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો એક કાર્યક્રમ જાહેર કરાયો હતો. ત્યાર બાદ મતદાર તરફથી રજૂ કરવામાં આવેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓના નિકાલ બાદ રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગની પ્રસિદ્ધિ કરવામાં આવેલી આખરી મતદાર યાદીમાં મતદારોની સંખ્યામાં ૪.૪૬ લાખનો વધારો જોવા મળ્યો હોવાનું રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલીક્રિશ્નાએ જણાવ્યું છે.
ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા ૧૪ મેના રોજ ૧ જાન્યુઆરી-૨૦૧૮ની લાયકાતની તારીખના સદર્ભમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તદઅનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૭ દરમિયાન રાજ્યમાં જે ૨,૨૬,૫૩,૩૬૮ પુરષ મતદારો નોંધાયા હતા. તેમાં ૨,૨૬,૪૮૮નો વધારો થતા આખરી મતદાર યાદીમાં કુલ ૨,૨૮,૭૯,૮૫૬ પુરૂષ મતદારો નોંધાયેલા છે. આ જ રીતે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન રાજ્યમાં ૨,૦૮,૭૪,૪૫૦ સ્ત્રી મતદારો નોંધાયા હતા. જેમાં ૨,૨૦,૩૭૭નો વધારો થતાં નવી મતદાર યાદીમાં કુલ સ્ત્રી મતદારો ૨,૧૦,૯૪,૮૨૭ નોંધાયેલા છે. આ ઉપરાંત ત્રીજી જાતિના જે ૭૦૨ ઉમેદવારો હતા તેમાં ૧૦૮નો વધારો થતા કુલ ત્રીજી જાતિના ૮૧૦ ઉમેદવારો થયા છે. આમ, સમગ્રતયા જોઇએ તો વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં ૪,૩૫,૨૮,૫૨૦ મતદારો નોંધાયેલા હતાં તેમાં ૪,૪૬,૯૭૩નો વધારો થતાં રાજ્યમાં કુલ ૪,૩૯,૭૫,૪૯૩ મતદારો નોંધાયેલા છે.
મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે વર્ષ-૨૦૧૮ની મતદાર યાદીમાં હવે કુલ ૮,૫૨,૨૭૯ મતદારો ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરના નોંધાયેલા છે. જ્યારે ૮૦ વર્ષથી મોટી ઉંમરના કુલ ૭,૧૫,૧૮૭ મતદારો નોંધાયા છે. આમ, રાજ્યભરમાં કુલ નોંધાયેલા મતદારો પૈકી ૨ ટકા જેટલા મતદારો ૧૮ થી ૧૯ વર્ષની વય ધરાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, મતદાર યાદીમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી ૯૯.૯૯ ટકા મતદારોની ઇમેજ-ફોટોગ્રાફ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવી છે. તેમજ ૯૯.૯૯ ટકા મતદારોને ચૂંટણી તંત્ર તરફથી મતદાર ફોટો ઓળખકાર્ડ આપી દેવામાં આવ્યા છે.