હિઝબુલના સૈયદ સલાઉદ્દીનના પુત્રની આખરે કરાયેલી ધરપકડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શ્રીનગર: જમ્મુ કાશ્મીર અને દેશના જુદા જુદા ભાગોમાં અનેક મોટા હુમલાને અંજામ આપનાર ખતરનાક ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકીલ અહેમદને આજે સવારે પકડી લેવામાં આવ્યો હતો. તેને તેના આવાસથી પકડી લેવામાં આવ્યા બાદ મોટી સફળતા તરીકે આના ગણવામાં આવે છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ત્રાસવાદી ફંડિંગ કેસમાં શકીલને પકડી લેવામાં આવ્યો છે. જા કે તપાસ સંસ્થા દ્વારા કોઇ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી. દરમિયાન એનઆઇએ, સ્થાનિક સુરક્ષા દળો અને સીઆરપીએફની ટીમ દ્વારા શકીલની ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત સપાટી પર આવી શકે છે.

શકીલ પ્રોફેશનની દ્રષ્ટિથી લેબ ટેકનેશિયન તરીકે છે. મની લોન્ડરિંગ કેસમાં તેના પહેલા પણ સલાઉદ્દીન એક પુત્રને પકડી લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં શાહિદ યુસુફને મની લોન્ડરિંગ કેસમાં પકડી લેવામાં આવ્યો હતો.  વર્ષ ૨૦૧૧ના સનસનાટીપૂર્ણ ટેરર મની લોન્ડરિંગ કેસમાં યુસુફને પકડી લેવામાં આવ્યો હતો. તેના પર આરોપ હતો કે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં રહેતા પોતાના પિતા સૈયદ સલાઉદ્દીન પાસેથી યુસુફે ત્રાસવાદી ગતિવિધી માટે પૈસા લીધા હતા. ગઇકાલે જમ્મુ કાશ્મીરના સોપિયન જિલ્લામાં અરહામા ગામમાં પોલીસ ટીમ ઉપર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ચાર પોલીસ જવાનો શહીદ થયા હતા.

આતંકવાદીઓ સુરક્ષા દળો પાસેથી હથિયાર આંચકીને ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. હુમલામાં ચાર પોલીસ જવાનો ગંભીરરીતે ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા જવાનોને તાત્કાલિક રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચારેય જવાનોના મોત થયા હતા. એસ્કોર્ટ પાર્ટી આ વિસ્તારમાં પોલીસ વાહનને રિપેર કરવા માટે પહોંચી હતી. સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્રાસવાદીની કમર તુટી ગઈ હોવા છતાં સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને  હુમલા કરવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં અગાઉ રવિવારે ૨૬મી ઓગષ્ટના દિવસે મોટી સફળતા હાથ લાગી હતી.

Share This Article