આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર સાબિત થઈ છે. લગભગ ૧૮૦ કરોડના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મથી ઘણી આશાઓ હતી. પરંતુ ફિલ્મે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડ અને કેન્સલ કલ્ચરનો સામનો કરવો પડ્યો. ફિલ્મ રીલિઝ થઈ તે પહેલા જ તેનો બહિષ્કાર કરવાની માંગ શરુ થઈ ગઈ. આમિર ખાન અને કરીના કપૂર ખાનના જૂના નિવેદનોને કારણે લોકો આ ફિલ્મની ટીકા કરવા લાગ્યા. આમિર અને કરીનાએ પોતાના તરફથી વાત સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ બોક્સ ઓફિસ પર ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ તેમ છતાં ફિલ્મ કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા ૨ અને આલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડી કરતા આગળ નીકળી ગઈ છે.
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ભારતમાં ભલે બોયકોટ ટ્રેન્ડનો શિકાર બની હોય, પરંતુ વિદેશમાં તેણે ધૂમ કમાણી કરી છે. લાલ સિંહ ચઢ્ઢા વિદેશોમાં ૨૦૨૨ની સૌથી વધારે કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. તેણે ઈન્ટરનેશનલ કમાણી બાબતે બોલિવૂડની અનેક ફિલ્મોને પાછળ કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર, બીજા અઠવાડિયાના અંત સુધીમાં લાલ સિંહ ચઢ્ઢાનું ઈન્ટરનેશનલ કલેક્શન ૭.૫ મિલિયન ડોલર એટલે કે લગભગ ૬૦ કરોડ રુપિયા છે. અન્ય એક રિપોર્ટ અનુસાર, ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રીમેક આ ફિલ્મે વર્લ્ડવાઈડ ૧૨૫ કરોડ રુપિયાથી વધારેનું કલેક્શન કર્યું છે.
ભારતની વાત કરીએ કો ૧૨ દિવસમાં તેણે ૫૬.૭૦ કરોડ રુપિયા જ કમાણી કરી છે. હવે જ્યારે ૨૫ ઓગસ્ટના રોજ વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર રીલિઝ થવાની છે ત્યારે ફિલ્મ સદંતર જ પછડાઈ જશે તમે લાગી રહ્યું છે. અદ્વેત ચંદનના ડાઈરેક્શનમાં બનેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાએ ઈન્ટરનેશનલ માર્કેટમાં ચાર ફિલ્મોને અત્યાર સુધી પછાડી છે, જેની યાદી અહીં આપવામાં આવી છે.
આલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડી, વિદેશી માર્કેટમાં તેની કમાણી ૭.૪૭ મિલિયન ડોલર એટલે કે ૫૯.૬૪ કરોડ રુપિયા હતી.
કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા ૨, વિદેશી માર્કેટમાં તેની કમાણી ૫.૮૮ મિલિયન ડોલર એટલે કે ૪૬.૩૦ કરોડ રુપિયા હતી.
વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઈલ્સ, વિદેશી માર્કેટમાં તેની કમાણી ૫.૭ મિલિયન ડોલર એટલે કે ૪૫.૫૧ કરોડ રુપિયા હતી.
વરુણ ધવન-કિયારા અડવાણીની જુગ જુગ જિયો- વિદેશી માર્કેટમાં તેની કમાણી ૪.૩૩ મિલિયન ડોલર એટલે કે ૩૪.૫૬ કરોડ રુપિયા હતી.
તમને જણાવી દઈએ કે લાલ સિંહ ચઢ્ઢા ક્લાસિકલ હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રીમેક ફિલ્મ છે. આ ફિલ્મની આમિર ખાનના ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મનું શૂટિંગ લગભગ ૧૦૦ સ્થળોએ કરવામાં આવ્યું છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.