રશિયામાં મોસ્કોથી લગભગ ૩૬૦૦ કિમી દૂર આવેલા એવા કેમેરોવો શહેરમાં એક શોપિંગ મોલમાં આગ લાગવાથી ૬૪ લોકોનાં મોત થયા છે. મૃતદેહોની ઓળખ હજી સુધી થઇ શકી નથી તથા ૪૧ બાળકો લાપતા છે. ફાયર એલાર્મ નહીં વાગવા અને સ્ટાફ હાજર ન હોવાને કારણે વધુ નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.
ઘટના સમયે મોલમાં બાળકો અને તેમના માતાપિતાની સંખ્યા વધારે હતી. ઘાયલ થયેલા ૧૦ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘાયલોમાં એક ૧૧ વર્ષનો છોકરો પણ સામેલ છે જે આગના સમયે ચોથા માળની બારીમાંથી કૂદી ગયો હતો. જો કે આ દુર્ઘટનામાં તેના માતાપિતા અને નાના ભાઇનું મોત થયું છે. તપાસ સમિતિએ આ ઘટનાના સંદભમાં ચાર લોકોની અટકાયત કરી છે.
સ્પુતનિક ન્યૂઝના જણાવ્યા અનુસાર આગ સૌથી પહેલા મોલના ચોથા માળે લાગી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં અનેક લોકો પોતાના પ્રાણ બચાવવા માટે બારીમાંથી કૂદતા જોઇ શકાય છે. મીડિયાના અહેવાલ મુજબ મોસ્કોથી ૩૦૦૦ કિમી પૂર્વમાં આવેલા સિબેરિયાના શહેર કેમેરોવોના વિન્ટર ચેરી મોલના ચોથા માળે લાગી હતી.
રશિયાની ઇન્વેસ્ટિગેટિવ કમિટીના જણાવ્યા અનુસાર બે થિએટરની છત પડી ગઇ છે. મોટા ભાગના પીડિતો થિએટરમાં જ હતાં. સાક્ષીઓના જણાવ્યા અનુસાર શોપિંગ મોલમાં એક નાનું પેટિંગ ઝૂ અને કેટલાક રેસ્ટોરન્ટ હતી. પોલીસ અત્યાર સુધી આગ લાગવાનું કારણ શોધી શકી નથી. ઘટનાની તપાસ માટે અધિકારીઓને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. બચાવ કાર્ય માટે ઇમરજન્સી વિભાગના ૬૫૦થી વધુ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતાં.