અમદાવાદ: ૨૦૧૬-૧૭ની બેચના ગુજરાતના નંબર વન ગોલ્ડ મેડાલિસ્ટ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી દાઢીના ભાગે રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાની ચકચારભરી ઘટના બાદ આજે તેમના પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી તેમની લાશ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. પરિવારજનોએ પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરનાર ડીવાયએસપી એન.પી.પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આકરી કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી હતી અને જયાં સુધી કાર્યવાહી નહી થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ખુદ ડીસીપીએ પરિવારજનોને કરેલી સમજાવટના પ્રયાસો નિષ્ફળ રહેતાં સમગ્ર મામલો ગરમાયો હતો.
ચાંદલોડિયા ગઇકાલે પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે તેમના નિવાસસ્થાને સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કર્યા બાદ તેમની સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારી વાત સામે આવી હતી કે, ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે અને તેથી એન.પી.પટેલ વિરૂધ્ધ કાર્યવાહી કરવા અને તેમને સજા કરાવવા ચિઠ્ઠીમાં માંગ કરાઇ હતી, જેને લઇ આજે મૃતક પીએસઆઇના પરિવારજનોએ સમગ્ર મામલામાં આજે જોરદાર માંગ ઉઠાવી હતી, જેમાં પરિજનોએ આ કેસમાં કસૂરવાર ડીવાયએસપી એન.પી.પટેલ વિરૂધ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરવા, મૃતક પીએસઆઇની પત્નીને જાબ આપવા, ડીવાયએસપી એન.પી.પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અને સમગ્ર મામલાની ઉંડી અને ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.
જો તેમની આ માંગણીઓ જયાં સુધી નહી સંતોષાય ત્યાં સુધી પરિજનોએ સિવિલ હોસ્પિટલમાંથી મૃતક પીએસઆઇના મૃતદેહને સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહી, પરિજનો દ્વારા આજે પોલીસ કમિશનર એ.કે.સિંઘની સાથે મુલાકાત કરી તેમને પણ ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં સીપીએ તપાસનું આશ્વાસન આપવા માટે પરિજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા. પરંતુ પરિવારે લેખિતમાં કાર્યવાહીની માગ કરતાં હવે પરિવાર મુંઝવણમાં છે કે લાશ સ્વીકારવી કે નહીં. બીજીબાજુ, પરિવારજનો દ્વારા સમગ્ર મામલે ન્યાય ના મળે તો અદાલતના દ્વાર ખખડાવવાની પણ તજવીજ અને વિચારણા હાથ ધરી છે. જેને લઇને હવે સમગ્ર મામલો ગરમાયો છે.
જો કે, વિવાદ વકરતાં ઉચ્ચ પોલીસ સત્તાધીશો દ્વારા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારી લેવાય તે માટેના મનામણાં અને વિનમણાંના પ્રયાસો આદર્યા છે, મોડી રાત સુધીમાં કંઇ હકારાત્મક ઉકેલ આવે તેવી ઉચ્ચ પોલીસ સત્તાધીશોએ આશા વ્યકત કરી હતી. બીજીબાજુ, પરિવારજનો મૃતદેહ સ્વીકારાય તો પણ આ કેસમાં ડીવાયએસપી એન.પી.પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી સહિતની પોતાની માંગણીઓ પર મકક્મ છે તે વાત નક્કી છે.