નવી દિલ્હી : ભારતીય હવાઈ દળે આજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ બાબતના પાકા પુરાવા છે કે, પાકિસ્તાન એરફોર્સે ૨૭મી ફેબ્રુઆરીના દિવસે એફ-૧૬ વિમાનનો ઉપયોગ કર્યો હતો અને આઈએએફના મિગ-૨૧ બાયસને એફ-૧૬ વિમાનને તોડી પાડ્યું હતું. આજે મિડિયાની સામે આવીને એરવાઈસ માર્શલ આરજીકે કપૂરે પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો અને પુરાવા રજૂ કર્યા હતા. એરબોર્ન વોર્નિગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ રડારના ફોટાઓ પણ રજૂ કર્યા હતા. રડાર ઇમેજનું મૂલ્યાંકન કરતા કપૂરે કહ્યું છે કે, આમા લાલ નિશાનમાં ત્રણ વિમાન જોઈ શકાય છે જે પાકિસ્તાનના એફ-૧૬ છે. બીજી બાજુ જમણીતરફ સર્કલમાં પાયલોટ અભિનંદન વર્થમાનના મિગ-૨૧ બાયસનની માહિતી મળે છે.
થોડાક સમય પછી જ લેવામાં આવેલા ઇમેજમાં પાકિસ્તાનના એફ-૧૬ વિમાન નજરે પડતા નથી. હકીકતમાં આ વિમાન નષ્ટ થઇ ગયું હતું. એરવાઇસ માર્શલે ડોગફાઇટના સ્તરની પણ માહિતી આપી હતી. પાકિસ્તાનનું એફ-૧૬ પોકના સબ્જકોટ વિસ્તારમાં તુટી પડ્યું હતું. ભારતનું મિગ-૨૧ પણ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેના પાયલોટ સુરક્ષિતરીતે નિકળી ગયા હતા અને પેરાશૂટથી પોકમાં ઉતર્યા હતા.
એરવાઇઝ માર્શલે કહ્યું હતું કે, ડીજી-આઈએસપીઆરએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેમની પાસે બે પાયલોટ હતા. એક કસ્ટડીમાં અને અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાની વાત કરાઇ હતી. આ બાબતને પાકિસ્તાની વડાપ્રધાને પણ પોતાના નિવેનમાં કરી હતી. આનાથી સાબિત થાય છે કે, પોકમાં બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. આઈએએફનું કહેવું છે કે, આમા કોઇ શંકા નથી કે, ૨૭મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે ડોગફાઇટ દરમિયાન બે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા જેમાં એક ભારતનું બાયસન અને પાકિસ્તાનનું એફ-૧૬ વિમાન હતું. આની ઓળખ ઇલેક્ટ્રોનિકસ સિગ્નેચરથી થઇ હતી.