અમેરિકાની વચગાળાની ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. તાજા અપડેટ મુજબ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપલ્બિકન, ડેમોક્રેટ્સ કરતા અનેક સીટો પર આગળ છે.
આ ચૂંટણીના પરિણામો ગમે તે હોય પરંતુ સમગ્ર દુનિયાની નજર હાલ અમેરિકા પર છે. આખરે આ મીડટર્મ ચૂંટણી કેમ આટલી ખાસ છે, દર બે વર્ષે કેમ થાય છે આ ચૂંટણી. ભારત કરતા અમેરિકાની મીડટર્મ ચૂંટણી કઈ રીતે અલગ છે? જાણો તમામ સવાલના જવાબ… ભારતમાં વચગાળાની ચૂંટણીનો અર્થ લોકસભા કે વિધાનસભા ચૂંટણીના નિર્ધારિત સમય કરતા પહેલા હોવાને કહેવાય છે. પરંતુ અમેરિકામાં એવું હોતું નથી. ત્યાં દર બે વર્ષે સંસદ માટે મીડ ટર્મ ચૂંટણી હોય છે. જે ભારતની મીડટર્મ ચૂંટણી કરતા એકદમ અલગ હોય છે. અણેરિકામાં આ ચૂંટણી એક સામાન્ય પ્રક્રિયા છે. જેમાં સૌથી મોટી વાત એ છે કે આ ચૂંટણીમાં જો હાલના રાષ્ટ્રપતિ જો બાઈડેનની પાર્ટી હારી પણ જાય અને સંસદમાં અલ્પમતમાં આવી જાય તો પણ જો બાઈડેન રાષ્ટ્રપતિ તરીકે યથાવત રહેશે.
અમેરિકાની આ વચગાળાની ચૂંટણી સંલગ્ન એવી અનેક રસપ્રદ જાણકારીઓ છે જે તમારા માટે જાણવી ખુબ જરૂરી છે. કારણ કે આ ચૂંટણીના પરિણામોની અસર ફક્ત અમેરિકા પર જ નહીં પરંતુ સમગ્ર દુનિયા પર પડી શકે છે. ભારતમાં કાયદો બનાવનારી સૌથી મોટી સંસ્થા સંસદ છે. સંસદમાં બે ગૃહ છે. ઉપલું ગૃહ જે રાજ્યસભા છે અને નીચલું ગૃહ જેને લોકસભા કહે છે. લોકસભાના સભ્યોનો કાર્યકાળ ૫ વર્ષનો હોય છે. જ્યારે રાજ્યસભા ક્યારેય ભંગ થતી નથી. તેના સભ્યોનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે. આ રીતે અમેરિકામાં સંસદને અમેરિકી કોંગ્રેસ કહે છે.
અમેરિકી કોંગ્રેસના પણ બે ભાગ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ નીચલું ગૃહ છે જેના સભ્યોની ચૂંટણી લોકોના મતદાન દ્વારા થાય છે અને તે ૨ વર્ષ માટે ચૂંટાય છે. સેનેટના સભ્યો પહેલા ભારતના રાજ્યસભાના સભ્યોની જેમ અપ્રત્યક્ષ રીતે ચૂંટાતા હતા પરંતુ હવે સેનેટના સભ્યોને જનતા જ ચૂંટે છે. સેનેટના ૧૦૦ સભ્યો હોય છે એટલે કે પ્રત્યેક અમેરિકી રાજ્યથી ૨ સભ્ય ચૂંટાય છે અને તેમનો કાર્યકાળ ૬ વર્ષ માટે હોય છે. તેના એક તૃતિયાંશ સભ્ય દર બે વર્ષે રિટાયર થાય છે અને તેની જગ્યાએ નવા સભ્યોની ચૂંટણી થાય છે. હાલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના તમામ સભ્યોની અને સેનેટના રિટાયર થયેલા એક તૃતિયાંશ સભ્યોની ચૂંટણી થઈ રહી છે. આ અગાઉ આ ચૂંટણી નવેમ્બર ૨૦૨૦માં થઈ હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકન પાર્ટી હારી ગઈ હતી. જ્યારે બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટીની જીત થઈ હતી. ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૧માં બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિ ૪ વર્ષ માટે ચૂંટાય છે. આથી જો તેમની પાર્ટીનો બહુમત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કે સેનેટમાં ઓછો પર થાય તો પણ જો બાઈડેન પોતાનો ૪ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. આમ છતા આ ચૂંટણીમાં જો બાઈડેન અને તેમની પાર્ટીના અન્ય નેતાઓ જેમ કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સતત પ્રચાર કરી રહ્યા છે.
બીજી બાજુ રિપબ્લિકન પાર્ટીના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ રાત દિવસ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ પદ પર આ ચૂંટણીની કોઈ અસર નહીં છતાં બંને પાર્ટીઓ માટે આ ચૂંટણી આટલી મહત્વની કેમ? આ સમજવા માટે તમારે સૌથી પહેલા ત્યાંની સંસદ, અમેરિકી કોંગ્રેસની હાલની સ્થિતિ વિશે જાણવું જરૂીર છે. નવેમ્બર ૨૦૨૦માં ચૂંટણી પરિણામો મુજબ અમેરિકી સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટિકના ૨૨૦ સભ્યો છે, જ્યારે રિપબ્લિકનના ૨૧૨ સભ્યો છે. મતદાનના અધિકારવાળા કુલ સભ્યોની સંખ્યા ૪૩૫ છે. હાલ ૩ સીટ ખાલી છે. એટલે કે ડેમોક્રેટિક પાર્ટી પાસે બહુમતથી ફક્ત ૨ સીટ વધુ છે. સેનેટના કુલ સભ્યોની સંખ્યા ૧૦૦ હોય છે.
નવેમ્બર ૨૦૨૦ બાદ તેના પણ એક તૃતિયાંશ સભ્યોની ચૂંટણી થઈ રહી છે. સેનેટમાં હાલ ડેમોક્રેટિકના ૪૮ સભ્ય છે અને ૨ અપક્ષ સભ્યોનું સમર્થન છે. જ્યારે રિપબ્લિકનના ૫૦ સભ્ય છે. સેનેટમાં બંને પાર્ટીઓનું બહુમત બરાબર છે. આથી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસના મતથી ડેમોક્રેટિકને સેનેટમાં બહુમત મળે છે. આ આંકડાથી તમે હવે સમજી શકો છો કે ડેમોક્રેટિક પાર્ટીનું અમેરિકન કોંગ્રેસના બંને સદનોમાં કોઈ મોટું બહુમત નથી. પરંતુ રિપબ્લિકન પાર્ટી સાથે કાંટાની ટક્કર છે. આથી રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને ચૂંટણી જીતવા માટે જોર લગાવી રહ્યા છે. અમેરિકાની આ વચગાળાની ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકી નાગરિક પણ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય મૂળના આ ઉમેદવારોમાં અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, પ્રમિલા જયપાલ, અને શ્રી થાનેદાર સામેલ છે.
હાલ અમી બેરા, રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના અને પ્રમિલા જયપાલ સાંસદ છે અને તેઓ ફરીથી જીતે તેવી શક્યતા છે. અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના નાગરિકો પણ ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે. અમેરિકામાં લગભગ ૪૨ લાખ ભારતીય મૂળના લોકો છે. એટલે કે ભારતીય મૂળના અમેરિકી નાગરિકો છે. અમેરિકાની લગભગ ૧૦ સીટો પર ભારતીય મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ૧૦ સીટો પર ભારતીય મૂળના લોકોના મતથી હાર જીત નક્કી થાય છે. અમેરિકાના અનેક રાજ્યોમાં ભારતીય મતદારોની ભૂમિકા ખુબ જ નિર્ણાયક છે. જેમાં ન્યૂયોર્ક, ઈલિનોઈસ, કેલિફોર્નિયા, ટેક્સાસ અને ન્યૂજર્સી સામેલ છે. આ ઉપરાંત કેટલાક રાજ્યો જેમ કે જ્યોર્જિયા, વર્જિનિયા, મિશિગન, અને એરિઝોનામાં ભારતીયોની સંખ્યા વધુ નથી પરંતુ તેઓ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવામાં સક્ષમ છે. તથા એવા રાજ્યો છે જેની અસર અમેરિકી ચૂંટણી પર ઘણી જોવા મળે છે.