અમદાવાદ : પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ સંદર્ભે વચેટિયા ક્રિશ્ચિન મિશેલની થઈ રહેલી પૂછપરછના કારણે કોંગ્રેસના પેટમાં તેલ રેડાઇ રહ્યું છે. વાઘાણીએ કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અહેમદ પટેલને પ્રશ્ન પૂછતાં જણાવ્યું હતું કે, અગસ્તા વેસ્ટલેન્ડમાં થઈ રહેલી તપાસ મુદ્દે કોંગ્રેસ શા માટે ગભરાઈ રહી છે ? તેનો જવાબ કોંગ્રેસે દેશની જનતાને આપવો જોઈએ.
વાઘાણીએ અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની કોંગ્રેસ સરકારે અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળાની તપાસ સીબીઆઈને સોંપી હતી. હેલીકોપ્ટર સોદામાં વચેટિયાએ કોંગ્રેસ અને સોનીયા પરિવારને લાંચ આપ્યાના ખુલાસા ઇટાલીની કોર્ટમાં થયા હતા. દેશમાં કોઇપણ કૌભાંડો ઉજાગર થાય છે ત્યારે કેમ ગાંધી પરિવારનું જ નામ જાહેર થાય છે ? તેમ પૂછતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ તેમજ ગાંધી પરિવારને દેશની જનતાને જવાબ આપવા જણાવ્યું હતું. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોઈપણ ભ્રષ્ટાચારીને બક્ષવામાં આવશે નહીં. વચેટીયા ક્રિશ્ચિન મિશેલનું પ્રત્યાર્પણ પણ વડાપ્રધાનની ભ્રષ્ટાચાર સામેની મહત્વની લડાઈનો ભાગ છે.
જેમણે પણ દેશની સુરક્ષા સાથે ચેડા કર્યા છે અથવા તો દેશની પ્રજાના પૈસા લૂંટ્યા છે તેવી કોંગ્રેસે દેશને જવાબ ચોક્કસથી આપવો જ પડશે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમના મુખીયાઓને બચાવવા માટે અણધડ નિવેદનો આપે છે તે અશોભનીય છે. વાઘાણીએ ઇટાલીની કોર્ટે આપેલા ચુકાદા અંગે જણાવ્યું હતું કે, તે ચુકાદામાં પણ સોનિયા ગાંધીનું નામ લેવાયું હતું અને ૧૨૫ કરોડ રૂપિયાની કટકીનો ઉલ્લેખ કરીને ચાર વર્ષની સજા આરોપીઓને કરવામાં આવી હતી. સીગ્નોરા ગાંધી મતલબ કે ગાંધી તરીકેનો ઉલ્લેખ પણ થયો હતો અને હવે મિશેલ ક્રિશ્ચિયને ઈડી સમક્ષની રજૂઆતમાં તે જ પ્રમાણે ગાંધી અને રાહુલ ગાંધી પર આંગળી ચીંધી છે અને સાથે-સાથે એ.પી. એટલે કે અહેમદ પટેલ પર પણ ઇશારો કર્યો છે.
આમ, ગાંધી પરિવારની દલાલી આજે દેશ સમક્ષ જાહેર થઈ ગઈ છે માટે ગાંધી પરિવારે અને કોંગ્રેસે પોતાના પર લાગેલા આરોપો સ્વીકારવા જોઈએ. એક પ્રશ્નના જવાબમાં વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે તે વખતે શરૂ કરાયેલા વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને દેશના તમામ રાજ્યો ભલે તે કોંગ્રેસ શાસિત પણ હોય તેવા રાજ્યો પણ પોતાને ત્યાં આ પ્રકારની ગ્લોબલ સમિટનું આયોજન કરે છે. ગુજરાતના વિકાસ અને નેતૃત્વના વિરોધી રાહુલ ગાંધી પાસે માહિતીનો અભાવ છે અને હંમેશા ગુજરાતના વિકાસને અટકાવવા બેબુનિયાદ નિવેદનો કરતા હોય છે તે માટે તેમણે ગુજરાતની પ્રજાની માફી માંગવી જોઈએ. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં ૧૬ જેટલા દેશો પાર્ટનર દેશ તરીકે ભાગ લેવા જઇ રહ્યા છે તે આપણા માટે ખુબ ગૌરવની વાત છે. આગામી સમયમાં ખૂબ મોટા રોકાણ ગુજરાતમાં થવા જઈ રહ્યા છે અને દરેક વાઇબ્રન્ટ ઇવેન્ટમાં ઉત્તરોત્તર રોકાણ વધ્યા જ છે અને ગુજરાત જે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેને આખા વિશ્વએ સ્વીકાર્યું છે.