નવી દિલ્હી : એર સ્ટ્રાઇકમાં થયેલા નુકસાનને લઇને પુરાવા માંગી રહેલા કોંગ્રેસ અને અન્ય પક્ષોની બોલતી હવે બંધ થઇ છે. હવાઈ હુમલાને લઇને વિપક્ષી દળો દ્વારા સરકાર પાસેથી પુરાવા માંગવામાં આવી રહ્યા હતા અને આને લઇને દબાણની સ્થિતિ હતી. આને લઇને હવે સેટેલાઇટ ઇમેજથી વાસ્તવિકતા સપાટી ઉપર આવી ગઈ છે જેથી કોંગ્રેસના રાહુલ ગાંધી, દિગ્વિજયસિંહ, નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધૂની બોલતી બંધ થઇ છે.
આ તમામ નેતાઓએ હવાઈ હુમલાને લઇને પુરાવાની માંગ કરી હતી. સાથે સાથે કેટલું નુકસાન થયું છે તેન લઇને પણ સરકાર ઉપર દબાણ લાવ્યું હતું. હવાઈ દળના વડા ધનોવાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, યુદ્ધ વિમાનોએ પોતાના ટાર્ગેટને મજબૂતી સાથે હિટ કર્યા હતા અને ભારે નુકસાન થયું હતું છતાં આને લઇને વિરોધ પક્ષો હોબાળો મચાવી રહ્યા હતા. આખરે આને લઇને નક્કર પુરાવા સપાટી ઉપર આવ્યા છે અને અનેક વિગતો સ્પષ્ટ થઇ ગઇ છે.
આતંકવાદી અડ્ડાઓ હવાઈ હુમલામાં નાશ પામ્યા હતા તે બાબત નક્કી થઇ છે. આ વિવાદ વચ્ચે હજુ પણ કેટલાક પક્ષો હોબાળો મચાવી રહ્યા છે. હવે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ હવાઈ હુમલાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. ફારુકનું કહેવું છે કે, અમિત શાહ ૩૦૦ લોકોના મોતની વાત કરી રહ્યા છે પરંતુ આના પુરાવા આપી રહ્યા નથી. હવે સમય આવી ગયો છે કે, સરકારને આ અંગે જવાબ આપવા જોઇએ. વિરોધ પક્ષો આને લઇને વારંવાર પ્રશ્નો કરી રહ્યા છે. કેટલાક નેતાઓએ સરકાર પાસેથી પુરાવાની માંગ કરી હતી.