નવીદિલ્હી : ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડકપને પોતાના નામ ઉપર કરવાના મિશનમાં જોરદારરીતે લાગેલી છે ત્યારે ક્રિકેટ નિષ્ણાતો અને પૂર્વ ક્રિકેટરો વચ્ચે પણ ચર્ચા ચાલી રહી છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ હવે સલાહ આપતા કહ્યું છે કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ આ વર્લ્ડકપ મિશનમાં ટીમ ઇન્ડિયાના નેતૃત્વની જવાબદારી વિરાટ કોહલીના હાથમાં નહીં બલ્કે મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં સોંપે તો વધારે સારા પરિણામ મળી શકે છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ પર ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેતા અજય જાડેજાએ આ મુજબની વાત કરી હતી. પોતાની પસંદ કરવામાં આવેલી ટીમમાં અજય જાડેજાએ મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનશીપની જવાબદારી સોંપી છે.
જાડેજાએ પોતાની આ ટીમમાં ધોનીને કેપ્ટનશીપ સોંપવાની સાથે સાથે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા અશ્વિનને પણ જગ્યા આપવાની વાત કરી છે. આ ટીમમાં ચાર સ્પીનરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અશ્વિન, જાડેજા, ચહલ અને કુલદીપનો સમાવેશ થાય છે. ધોનીને ફરીથી કેપ્ટન બનાવવાના મુદ્દા ઉપર જાડેજાએ કહ્યું છે કે, તેઓ માત્ર આ ટુર્નામેન્ટ માટે જ આવું ઇચ્છે છે.
કારણ કે, ધોનીની પાસે કેપ્ટનશીપને લઇને ખુબ અનુભવ છે. કોઇને એવું લાગે છે કે, વિરાટ કોહલી ધોની કરતા વધારે સારી કેપ્ટનશીપ કરી શકે છે તો તે વ્યક્તિ તેમની સાથે ચર્ચામાં ઉતરી શકે છે. દુનિયામાં કોઇપણ ક્રિકેટર અથવા તો ક્રિકેટ ચાહક એમ કહી શકે નહીં કે, ધોનીની રણનીતિ બનાવવાના મામલામાં વિરાટ કોહલી તેના કરતા આગળ છે. ધોની રણનીતિ બનાવવાના મામલામાં આજે પણ પ્રથમ સ્થાન ઉપર છે. ૧૯૯૯માં ઇંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડકપમાં રમી ચુકેલા જાડેજાને પણ તક આપવાની વાત કરવામાં આવી છે.