કર્ણાટકમા વર્ષોથી પોતાને અલગ ધર્મની ઓળખ આપવાની માગણી કરી રહેલ લિંગાયત સમુદાયને લઇને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી લિંગાયત સંપ્રદાયને અલગ ધર્મનો દરજ્જો આપવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ કર્ણાટકના કાયદા પ્રધાન ટી.બી. જયચંદ્રએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ કોમ્યુનિટીને અલગ ધર્મની ઓળખ આપી લઘુમતીનો દરજ્જો આપવો કે કેમ તે નક્કી કરવા માટે કમીટીની રચના કરી હતી. આ કમીટીએ લઘુમતીનો દરજ્જો આપવાની ભલામણ કરી છે જેને સરકારે સ્વીકારી લીધી છે. હવે આ ભલામણને કેન્દ્ર સરકાર સમક્ષ મોકલવામાં આવી છે.
કર્ણાટકમાં લિંગાયત સમુદાયની ગણતરી અત્યાર સુધી હિંદુ ધર્મમાં થતી રહી છે, જોકે તેમના રીતી રિવાજ વગેરે હિંદુઓથી અલગ છે. અને ઘણા સમયથી તેઓ પોતાને હિંદુને બદલે અલગ ધર્મના નાગરીકો જાહેર કરવાની માગણી કરી રહ્યા હતા.
આ માગણીને હાલ કર્ણાટક સરકારે સ્વીકારી લીધી છે અને તેમને હિંદુઓની જગ્યાએ લિંગાયત ધર્મના લઘુમતીઓનો દરજ્જો આપવાની મંજુરી આપી દીધી છે. આ માટે હવે કેન્દ્ર સરકારની મંજુરી લેવામાં આવી રહી છે. ઉલ્લખેનીય છે કે સમાજ સુધારક બાસવન્નાએ ૧૨મી સદીમાં લિંગાયત સમુદાયની સ્થાપના કરી હતી.