લખનૌ : બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ સંબંધમાં બસપના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતીએ આજે જાહેરાત કરતા આને લઇને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. આજે બપોરે પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં માયાવતી અને અખિલેશ યાદવ બંને હાજર રહ્યા હતા.માયાવતીએ કહ્યુ હતુ કે ગેસ્ટ હાઉસ બનાવને ભુલીને અમે સાથે આવી રહ્યા છીએ. દેશમાં નવી રાજકીય ક્રાન્તિ આવે તેવા પ્રયાસ કરવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે બંને પાર્ટીના લોકો અને કાર્યકરો આવી ઇચ્છા રાખી રહ્યા હતા. દેશના હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ ૧૯૯૩માં માયાવતી અને મુલાયમસિંહ યાદવ સાથે આવ્યા હતા પરંતુ ત્યારબાદ સ્થિતી જટિલ બની હતી. તમામ પત્રકારોને પહેલાથી જ આમંત્રણ આપી દેવામાં આવ્યુ હતુ.
સમાજવાદી પાર્ટીના નેતા રાજેન્દ્ર ચોધરી અને બસપના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચન્દ્ર મિશ્રા તરફથી તમામને આમંત્રણ આપી દેવામાં આવ્યુ હતુ. આ પહેલા રામ મંદિર આંદોલનના ગાળા દરમિયાન ૧૯૯૩માં સપા અને બસપનાની સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યારે રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટીને સામેલ ન કરવાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો રહેલી છે. બંને પાર્ટી ૩૭-૩૭ સીટો પર ચૂંટણી લડી શકે છે.
જાણકાર લોકો કહે છે કે ગઠબંધનની સ્થિતીમાં તો ૨૫ વર્ષ પહેલાની જીતનુ પુનરાવર્તન થઇ શકે છે. ગયા વર્ષે પ્રદેશની ત્રણ સીટો ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં ગઠબંધનના કારણે જીત થઇ હતી.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગોરખપુર સીટ સહિત ત્રણ સીટો ઉપર જીત મેળવી લેવામાં આવી હતી. આ ચૂંટણીને તમામ પાર્ટીઓને ભાજપની સામે એક કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.