નર્મદા કેનાલમાં ૩ કિશોરોના ડૂબી જવાથી કરૂણ મોત થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામે બે સગાભાઇ સહિત ત્રણ કિશોરોના નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે કરૂણ મોત થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોક અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે. પગ લપસતા એક કિશોર રાયપુર નર્મદા કેનાલમાં પડ્‌યો હતો. કિશોરને બચાવવા માટે વારાફરતી બે કિશોર પણ કેનાલમાં પડ્‌યા હતા. ડુબી રહેલા ત્રણેય કિશોરોને બચાવવા માટે માતાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. માતાની બચાવો બચાવોની બૂમો સાંભળીને સ્થાનિક લોકો દોડી આવીને કેનાલમાં પડેલી માતાને બચાવી લીધી હતી. પરંતુ ત્રણ કિશોરો ડુબી જતા મોત નિપજ્યું હતું.

આ સમગ્ર બનાવ અંગે ડભોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામ ખાતે મામાને ઘરે સામાજીક પ્રસંગ હોવાથી નાના ચિલોડામાં રહેતા દિપકભાઇ ઠાકોર, પત્ની લીલીબેન અને બે પુત્રો સંદિપ અને કૃણાલ તેમજ પડોશીનો દિકરો મયુરની સાથે આવ્યા હતા. સામાજીક પ્રસંગ પૂરો થતાં લીલીબેન કપડાં ધોવા માટે આજે બપોરના સુમારે રાયપુર નર્મદા કેનાલે ગયા હતા. લીલીબેનની સાથે તેમના બે પુત્રો અને પડોશીનો દિકરો પણ સાથે ગયો હતો. લીલીબેન કેનાલમાં કપડા ધોઇ રહ્યા હતા ત્યારે સંદિપનો પગ લપસતાં તે કેનાલમાં પડ્‌યો હતો.

મોટાભાઇ સંદિપને બચાવવા માટે કૃણાલ પણ કેનાલમાં પડ્‌યો હતો. મિત્ર કૃણાલને બચાવવા કિશોર મયુર પણ કેનાલમાં પડ્‌યો હતો. ત્રણેય કિશોરોને તરતા આવતું નહી હોવાથી તેઓ ડુબવા લાગ્યા હતા. બે પુત્રોની સાથે સાથે પડોશીના દિકરાને ડુબતા બચાવવા માટે માતા લીલીબેન પણ કેનાલમાં પડતું મુક્યું હતું. લીલીબેનની બચાવો બચાવોની બુમો સાંભળીને સ્થાનિક લોકો દોડી આવીને લીલીબેનને બચાવી લીધા હતા. જોકે ત્રણેય કિશોરો ડુબી જવાથી તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માતમ પથરાયો હતો. બીજીબાજુ, બનાવની જાણ થતાં ડભોડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.આર.રાઠોડ ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય કિશોરોના મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

TAGGED:
Share This Article