ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિએ ભારતીય કફ સિરપના કારણે ગામ્બિયામાં બાળકોના મોતના દાવા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં બનતા કફ સિરપના કારણે ૬૬ બાળકોના મોત ભારત માટે ખૂબ જ શરમજનક બાબત છે. નારાયણમૂર્તિએ એમ પણ કહ્યું કે આનાથી ભારતીય ફાર્મા રેગ્યુલેટરી એજન્સીની છબી ખરાબ થઈ છે.
ઈન્ફોસિસ પ્રાઈઝ ૨૦૨૨ સમારોહમાં તેમના સંબોધન દરમિયાન, નારાયણમૂર્તિએ કફ સિરપથી બાળકોના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ ઘટનાએ વિશ્વની નજરમાં ભારતને શરમમાં મૂકી દીધું છે. તેમણે કહ્યું કે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે, પરંતુ હજુ પણ આપણી સામે ઘણા પડકારો છે. ભારતના ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર સવાલો ઉઠાવતા ઈન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિએ કહ્યું કે વર્લ્ડ ગ્લોબલ રેન્કિંગ ૨૦૨૨માં એક પણ ભારતીય શૈક્ષણિક સંસ્થા સામેલ નથી. તેમણે કહ્યું કે રસીના ઉત્પાદન માટે પણ આપણે અન્ય વિકસિત દેશની ટેક્નોલોજી અથવા સંશોધન પર ર્નિભર રહેવું પડશે.
ઈન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી એનઆર નારાયણમૂર્તિએ જણાવ્યું હતું કે કોઈ પણ શોધ કે શોધની સફળતા માટે પૈસાની પહેલી આવશ્યકતા નથી. જો આમ થયું હોત તો પૂર્વ યુરોપના દેશો ગણિતના ક્ષેત્રમાં સફળ ન થયા હોત. નારાયણમૂર્તિએ કહ્યું કે સંશોધનમાં સફળતા માટે બે બાબતો મહત્વની છે. પ્રથમ- આપણું શાળા-કોલેજ શિક્ષણ વિશ્વની વર્તમાન સમસ્યાઓ સાથે સંબંધિત હોવું જોઈએ. બીજું- સફળતા માટે, આપણા સંશોધકો શક્ય તેટલી વહેલી તકે વર્તમાન સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે, જેથી તેઓ ભવિષ્યની સૌથી મોટી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે.