રાહુલ ગાંધીના લેહ લદ્દાખ પ્રવાસના દિવસો અચાનક વધારવામાં આવ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લેહ લદ્દાખનો તેમનો પ્રવાસ લંબાવ્યો છે. રાહુલ હવે ૨૫ ઓગસ્ટ સુધી લેહ લદ્દાખમાં રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે ૨૦ ઓગસ્ટે રાહુલ પોતાના દિવંગત પિતા રાજીવ ગાંધીનો જન્મદિવસ પેંગોંગ લેક પર ઉજવશે અને અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમના રોકાણ દરમિયાન તેઓ કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે અને ત્યાંના યુવાનો સાથે વાતચીત કરશે.

મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી લેહ લદ્દાખની એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન અન્ય ઘણા કાર્યક્રમોમાં સામેલ થશે. લેહમાં ફૂટબોલ મેચ પણ જોશે. રાહુલ પોતે પણ કોલેજકાળમાં ફૂટબોલર રહી ચૂક્યા છે. ફૂટબોલ રમતી વખતે તેમને ઘૂંટણની ઈજા થઈ હતી જે હજુ પણ તેમને પરેશાન કરે છે. સમયે સમયે રાહુલ પોતે ઈજાનો ઉલ્લેખ કરતા રહે છે. આ પછી ૨૫ ઓગસ્ટે હિલ કાઉન્સિલની ચૂંટણીને લઈને એક બેઠક યોજાવા જઈ રહી છે જેમાં રાહુલ ગાંધી પણ ભાગ લેશે. રાહુલ કાશ્મીરમાં ભારત જોડો યાત્રા પૂરી થયા બાદ જ લેહ લદ્દાખ જવા માંગતા હતા, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તેઓ જઈ શક્યા ન હતા અને ત્યારબાદ તેમણે સંસદની સભ્યતા ગુમાવી દીધી હતી. હવે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે, આવી સ્થિતિમાં તેઓ લેહ લદ્દાખ પહોંચ્યા છે.

રાહુલ ગાંધીની આ મુલાકાતને રાજકીય દૃષ્ટિકોણથી પણ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. પાર્ટીના નેતાઓની વાત માનીએ તો રાહુલ લેહ લદ્દાખમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે અને સામાન્ય ચૂંટણી પહેલા એકતાનો મંત્ર પણ આપશે. આ પછી ૧૯ ઓગસ્ટે તેઓ ડુબરા વેલીની પણ મુલાકાત લેશે. ગુરુવારે લેહ એરપોર્ટ પર પહોંચતા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્ટીના ઘણા કાર્યકરો નારા લગાવતા જોવા મળ્યા હતા અને બીજી તરફ લોકો સાથે હાથ જોડીને અભિવાદન સ્વીકારતા પણ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીના પ્રવાસમાં અચાનક વધારો થયો છે. પહેલા તેઓ લેહ લદ્દાખમાં માત્ર બે દિવસ રોકાવાના હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમનો પ્રવાસ લંબાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

Share This Article