નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે જારી સૈન્ય તંગદીલી વચ્ચે પાકિસ્તાન હવે ભારત માટે વાયુક્ષેત્રને ખોલવા માટે ટુંક સમયમાં નિર્ણય કરનાર છે. આ સંબંધમાં ચર્ચા કરવા માટે ૧૫મી મેના દિવસે બેઠક યોજાનાર છે. આ બેઠકને લઇને વ્યાપક ચર્ચા શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાન ભારતીય ઉડાણો માટે પોતાના હવાઇ ક્ષેત્રને ખોલી દેવા માટેની બાબતની સમીક્ષા કરનાર છે. પાકિસ્તાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ છે કે ઇમરાન ખાન સરકાર ૧૫મી માર્ચના દિવસે યોજાનાર બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરી શકે છે. બેઠકમાં અધિકારીઓની સાથે તમામ મંત્રાલયના પ્રધાનો પણ ભાગ લેનાર છે. બેઠકને લઇને જાહેરનામુ જારી કરવામાં આવી ચુક્યુ છે.
બીજી બાજુ વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યુ છે કે ભારતમાં લોકસભા ચૂંટણી પુર્ણ થઇ ગયા બાદ સુધી યથાસ્થિતી રહેનાર છે. પુલવામા ત્રાસવાદી હુમલા અને ત્યારબાદ ભારતીય હવાઇ દળ દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને કરવામા આવેલી જોરદાર કાર્યવાહી બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધ ખુબ ખરાબ થઇ ગયા છે. ભારતે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદી કેમ્પો પર હુમલો કર્યા બાદ પાકિસ્તાને વળતો હુમલો ભારતીય સેન્ય સ્થળો પર કરવાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં એક પાકિસ્તાની વિમાનને ફુંકી મારવામાં આવ્યુ હતુ. જ્યારે ભારતનુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતી રહેલી છે. આ બનાવ બાદ પાકિસ્તાને પોતાની હવાઇ સીમાને ભારત માટે બંધ કરી દીધી હતી. ભારતે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને ત્રાસવાદીઓમાં ખળભળાટ મચાવી દીધો હતો. જો કે હવે પાકિસ્તાન ભારત સાથે સંબંધ સુધારવા માટેના પ્રયાસમાં છે. સાથે સાથે તેના પર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે દબાણ વધી રહ્યુ છે.