વિદ્યાર્થીઓમાં બીબીએ-બીસીએ કોલેજોમાં પ્રવેશ મેળવવાનો ક્રેઝ વધ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાત યુનિવર્સિટીની એડમિશન કમિટી (જીયુએસ) તરફથી પ્રથમ વર્ષ કોમર્સ, બીબીએ, બીસીએ, એમબીએ ઇન્ટીગ્રેટેડ, એમએસસી આઈટી સહિતની આશરે ૪૧,૧૮૭ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં ત્રણ રાઉન્ડના અંતે કુલ ૨૦ હજાર બેઠકો ભરાઈ ગઈ છે, જ્યારે આશરે ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી રહી છે. આ ખાલી રહેલી બેઠકો પર ૨૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાના ચોથા ઇન્ટર સે મેરિટ રાઉન્ડમાં ભાગ લઈ રહ્યા છે.

આ ૨૦ હજાર વિદ્યાર્થીઓમાંથી આશરે ૧૫ હજાર વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ત્રણ રાઉન્ડ બાદ પણ પસંદગીની કોલેજમાં પ્રવેશ ન મળવાના કારણે પ્રવેશથી વંચિત રહી ગયા છે. આ વિદ્યાર્થીઓમાંથી ૪ હજાર પૈકી ૧૬૦૦એ પૂરક પરીક્ષા પાસ કરી છે, જ્યારે ૨૪૦૦ વિદ્યાર્થીઓ એવા છે કે જેમની ટકાવારી ઓછી હોવાથી પ્રવેશ મેળવી શક્યા નથી. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પ્રથમ વર્ષ બીબીએ-બીસીએ કોલેજોમાં પ્રવેશ મેળવવાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં વધ્યો છે.

કોલેજ કક્ષાના ચોથા ઇન્ટર સે મેરિટ ઓફલાઇન રાઉન્ડમાં બીકોમમાં ૧૮ હજારથી વધુ બેઠકો ખાલી છે. જ્યારે બીબીએમાં ૧૨૦૨, બીસીએમાં ૧૧૬૯ બેઠક ખાલી રહી હતી.ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ કોમર્સની ૪૧ હજારથી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ત્રણ રાઉન્ડમાં સીટ એલોટમેન્ટ કરાયું હોવા છતાં ૧૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ પસંદગીની કોલેજમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે, જેમણે કોલેજ કક્ષાના ઓફલાઇન (ઇન્ટર સે મેરિટ) પ્રવેશ રાઉન્ડમાં ભાગ લીધો છે. કોલેજ કક્ષાએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આ કાર્યવાહી ઓગસ્ટના અંત સુધીમાં ચાલશે તેમ ડો. જશવંત ઠક્કરે જણાવ્યું હતું.

Share This Article