દેશના સૌથી મોટા ટેક્સ રિફોર્મ જીએસટીની પાંચ વર્ષની સફર ૩૦ જૂન ૨૦૨૨ના રોજ પૂર્ણ થઇ હતી. ૧ જુલાઈ, ૨૦૧૭થી લાગુ થયા બાદ જીએસટી વ્યવસ્થામાં ઘણા ફાયદા જોવા મળ્યા હતા. થોડું નુકસાન પણ દેખાયું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ પ્રણાલીએ કરવેરાના અનુપાલનમાં ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું. આ સાથે દર મહિને એક લાખ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન હવે સામાન્ય વાત બની ગઈ છે. જીએસટી વ્યવસ્થા લાગુ થતા પહેલા ગ્રાહકે વેટ, એક્સાઇઝ ડ્યૂટી, સીએસટી વગેરેનો સમાવેશ કરીને સરેરાશ ૩૧ ટકા ટેક્સ ભરવો પડતો હતો. કરવેરા વ્યવસ્થાને સરળ બનાવવા માટે ૧૭ સ્થાનિક કરવેરા અને એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ અને વેટ જેવા ૧૩ સેસને જીએસટીમાં સમાવી લેવામાં આવ્યા હતા. જીએસટીમાં ચાર સ્લેબ છે. તેમાં આવશ્યક ચીજવસ્તુઓ પર ટેક્સનો દર સૌથી ઓછો ૫ ટકા અને લક્ઝરી વસ્તુઓ પર સૌથી વધુ ૨૮ ટકા છે. જ્યારે અન્ય બે સ્લેબ ૧૨ ટકા અને ૧૮ ટકા છે.
જીએસટીમાં નાણાકીય સંઘવાદની અભૂતપૂર્વ કવાયત થઈ હતી. તેમાં કેન્દ્ર અને રાજ્યો જીએસટી કાઉન્સિલમાં એક સાથે આવ્યા હતા. જેથી નવી કર વ્યવસ્થાને સુચારુ રીતે લાગુ કરી શકાય. કાઉન્સિલની અત્યાર સુધીની ૪૭ બેઠકોમાં લેવામાં આવેલા પગલાના પરિણામે દર મહિને એક લાખ કરોડનું જીએસટી કલેક્શન નવું ‘નોર્મલ’ બની ગયું છે. જૂન માટે જીએસટી કલેક્શનના આંકડા ૧ જુલાઈ ૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવશે. એક અંદાજ મુજબ છેલ્લા ચાર મહિનાની જેમ આ વખતે પણ ૧.૪ લાખ કરોડ સુધીનું કલેક્શન થશે. એપ્રિલ ૨૦૨૨માં રેકોર્ડ ૧.૬૮ લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું હતું. એપ્રિલ, ૨૦૧૮માં પહેલીવાર કલેક્શન એક લાખ કરોડને પાર કરી ગયું હતું. ૫મી વર્ષગાંઠ પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમે ટ્વીટ કર્યું હતું.
જીએસટીમાં ઘણા ટેક્સ અને સેસ સામેલ કરવામાં આવ્યા છે. અમલનું ભારણ ઓછું થયું હતું. પ્રાદેશિક અસંતુલન દૂર કરવામાં આવ્યું છે. આંતર-રાજ્ય અવરોધોનો પણ અંત આવ્યો. પારદર્શિતા અને કુલ મહેસૂલ સંગ્રહમાં ઝડપથી વધારો થયો. એએમઆરજી એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું કે, “૫ વર્ષમાં જીએસટીનો કાયદો નવા તબક્કામાં પ્રવેશ્યો છે. તેમાં મુકદમાબાઝીને શક્ય તેટલી ઓછી કરવી પડશે. રાજ્યોમાં એએઆરના વિરોધાભાસી ર્નિણયો પર ધ્યાન આપવું પડશે. વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્યની અંદર સપ્લાય માટેની પ્રક્રિયાને સરળ બનાવવાના ર્નિણયથી કંપનીઓને ઇ-કોમર્સ સાથે જોડાવાની તક મળશે. જીએસટી કાઉન્સિલે ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા રાજ્યની અંદર સપ્લાય માટેની પ્રક્રિયાને સરળ બનાવવાનો ર્નિણય લીધો છે. આ ર્નિણયથી નાના રિટેલર્સને ઇ-કોમર્સ ઇકોસિસ્ટમમાં લાવવામાં આવશે.