નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે એક પછી એક કાર્યવાહી હાથ ધરી છે. પાકિસ્તાન સામે પ્રથમ એક્શનના ભાગરુપે કાર્યવાહી શરૂ થઇ જેના ભાગરુપે પાકિસ્તાનમાં ભારતના હાઈકમિશનરને પરત દિલ્હી બોલાવી લેવામાં આવ્યા છે. અજય બિસારિયાને દિલ્હી પરત ફરવા સુચના આપી દેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બિસારિયાને જઘન્ય હુમલામાં ચર્ચા માટે બોલાવવામાં આવ્યા છે. બીજી બાજુ પુલવામા હુમલાના અપરાધીઓને વડાપ્રધાન મોદી તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવ્યા બાદ વિદેશ સચિવે પાકિસ્તાનના હાઈકમિશનરને બોલાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
આજે બપોરે બે વાગ્યાની આસપાસ વિદેશ સચિવ વિજય ગોખલેએ ભારતમાં પાકિસ્તાનના હાઈકમિશનર શોહેલ મહેમુદને બોલાવ્યા હતા અને પુલવામા હુમલાના સંદર્ભમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. સાથે સાથે પુલવામા હુમલાના સંદર્ભમાં રાજદ્વારી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વિદેશ સચિવે પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જૈશે અને અન્ય ત્રાસવાદી સંગઠનો સામે કઠોર કાર્યવાહી થવી જોઇએ. દરમિયાન અમેરિકા, જર્મની, રશિયા અને બાંગ્લાદેશ, ઇઝરાયેલ, શ્રીલંકા, ભુટાન સહિતના વિશ્વના દેશો પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારતની સાથે ઉભા છે. આ તમામ દેશોએ પોતાની પ્રતિક્રિયાઓ આપીને આતંકવાદી હુમલાની નિંદા કરી છે. સાથે સાથે શહીદ જવાનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. ત્રાસવાદ સામેની લડાઈમાં ભારત સાથે હોવાની ખાતરી પણ આપી છે.