રાજનીતિના સ્તર પરથી મનોહર પારિકરની વિદાય કોઇ પણ મોટા નુકસાનથી કમ નથી. પારિકરના અવસાનથી ભારતીય જનતા પાર્ટી અને ગોવાને મોટો રાજકીય ફટકો પડ્યો છે. આનાથી પણ મોટો ફટકો દેશની રાજનીતિ માટે છે. ૬૩ વર્ષની વયમાં જ તેઓ અમને છોડીને જતા રહ્યા છે તે માટે નહીં, આઇઆઇટમાંથી પાસ થનાર પ્રથમ મુખ્યપ્રધાન હતા તેટલા માટે પણ નહીં, પરંતુ એટલા માટે કે દેશના ધરાશાયી થઇ રહેલા રાજકીય મુલ્યોને સ્થાપિત કરવામાં પારિકરે ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. મુલ્યોને સ્થાપિત કરવામાં ભરપુર પ્રયાસ પારિકરે કર્યા હતા. અંતિમ શ્વાસ સુધી સાદગી અને ઇમાનદારીના કારણે તેમની ઓળખ તમામ લોકોમાં હતી. સાદગી અને ઇમાનદારી તેમજ જોરદાર મહેનત અને જુસ્સો તેમના જીવનના એક હિસ્સા તરીકે હતો. ચાર વખત મુખ્યપ્રધાન બની ગયા હોવા છતાં વિપક્ષી દળો પણ તેમના પર ભ્રષ્ટાચારના આરોપો મુકવાની હિંમત કરી શકતા ન હતા. મુખ્યપ્રધાન હોવા છતાં સામાન્ય લોકોની વચ્ચે બેસીને જાહેર રસ્તા પર તેઓ ચા પીતા હતા. ગોવાના જાહેર રસ્તા પર પણ તેઓ સ્કુટર મારફતે ફરતા નજરે પડતા હતા. દેશની રાજનીતિ આજે દુષિત થઇ રહી છે.
આની પાછળ ભ્રષ્ટાચાર અને ભાઇ ભત્રીજાવાદને પણ કારણ ગણી શકાય છે. પોતાના ત્રણ દશકના રાજકીય જીવનમાં પારિકર આ તમામ બાબતોથી દુર રહ્યા હતા. પાર્ટીની વિચારધારા માટે રાજનીતિ કરતા રહેવાની બાબત તેમના માટે સર્વોચ્ચ બની ગઇ હતી. જીવલેણ બિમારી સામે લડતા લડતા પણ તેઓ ફરજ અદા કરી રહ્યા હતા. આખરી શ્વાસ સુધી તેઓ એક કર્મયોગીની જેમ લાગેલા રહ્યા હતા. બે વર્ષ પહેલા ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ૧૭ સીટોની તુલનામાં પાર્ટીની ૧૩ સીટો આવ્યા બાદ પણ ભાજપે સરકાર બનાવી લીધી હતી. આની પાછળ પારિકર જ જવાબદાર રહ્યા હતા. ભાજપ જ નહીં બલ્કે અન્ય વિરોધ પક્ષોના લોકો પણ તેમની રાજકીય કુશળતાની પ્રશંસા કરતા હતા. પારિકરે આજની સમયમાં પણ તમામને સાથે લઇને ચાલવાની નીતિ અપનાવી હતી. પારિકરની વિદાય પહેલા તમામ રાજકીય પક્ષોના નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી ગયા હતા. પરંતુ માત્ર એક પુષ્પાચક્ર આપીને પારિકરને શ્રદ્ધાંજલિ આપી શકાય છે તે એ મોટો પ્રશ્ન છે. પારિકરને યોગ્ય શ્રદ્ધાંજલિ એ વખતે મળી શકશે જ્યારે રાજનેતા પોતે તેમની જેમ સામાન્ય વ્યક્તિની જેમ પોતાને રજૂ કરી શકશે.
શ્રદ્ધાંજલિની સાર્થકતા એ વખતે થશે જ્યારે દેશ ભ્રષ્ટાચારથી મુક્ત થઇ શકશે. રાજનેતા પોતાના સગા સંબંધીઓને ટિકિટ અપાવવા માટેની માનસિકતા અને સ્વાર્થથી બહાર નિકળી શકશે. શબ્દોની શ્રદ્ધાંજલિ તો માત્ર ઔપચારિકતા સમાન છે. આજે જરૂર સ્વાર્થ અને અહંકારને ઠોકર મારી દેવાની છે. જે કામ પારિકરે તેમના જીવનમાં કર્યુ હતુ. પારિકર જેવા બનવા માટે કોઇ ખાસ કામ કરવાની જરૂર નથી માત્ર સ્વાર્થથી ઉપર ઉઠવાની જરૂર છે. જનતા ઇચ્છે છે કે દરેક નેતા લાલ બહાદુર શા†ી, માણિક સરકાર અને મનોહર પારિકર જેવા બને જે ઇમાનદારી અને કામમાં દાખલા તરીકે હતા. પારિકર ભલે અમારી વચ્ચે રહ્યા નથી પરંતુ તેમના આદર્શ અને મુલ્યોને ભુલી શકાય નહીં. તેમના માર્ગ પર ચાલવાના પ્રયાસો રાજનેતાઓ ચોક્કસપણે કરે તે જરૂરી છે. પારિકરના આદર્શ મુલ્યો પર ચાલવાની દિશામાં આગળ વધવા માટે મજબુત રાજકીય ઇચ્છા શક્તિ સૌથી જરૂરી છે. જે ઓછા નેતાઓમાં જાવા મળે છે.