ત્રાસવાદની સામે કાર્યવાહી કોંગ્રેસ પાર્ટીને પસંદ જ નથી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે છોટાઉદેપુર લોકસભાની હાલોલ વિધાનસભામાં જાહેરસભાને સંબોધી હતી શિવરાજે કહ્યું હતું કે,  મોદીએ દરેક ક્ષેત્રમાં દેશને અનેકવિદ સિદ્ધિઓ અપાવી દુનિયામાં ભારતનું નામ રોશન કરવાનું કામ કર્યું છે. ૨૦૧૪ પહેલા દેશની હાલત કફોડી બનેલી હતી. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ભારતમાં ઘુસીને નિર્દોષોની હત્યા કરતા હતા. કોંગ્રેસના શાસનકાળમાં મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હવે આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરના ચોક્કસ વિસ્તાર સુધી મર્યાદિત થઇ ગયા છે.

પાકિસ્તાન સામે આક્રમક કાર્યવાહી થઇ રહી છે. ઉરીની નાપાક હરકત બાદ સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા ભારતીય જવાનોએ આતંકવાદીઓને વીણી વીણીને સાફ કરી નાંખ્યા હતા અને સુરક્ષિત પરત ફર્યા હતા. આતંકવાદીઓએ પુલવામામાં ફરી હુમલો કર્યો હતો અને ૪૦ જવાનોને મોતને ઘાટ ઉતારી દધા બાદ ફરીવાર પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ ઉપર બોંબ વરસાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને આતંકવાદ વિરુદ્ધ થતી કાર્યવાહી પસંદ પડતી નથી. રશિયા જેવા મોટા દેશથી મોદીને સર્વોચ્ચ સન્માન મળે તે તેમને ગમતું નથી. મોદીનો વિરોધ કરતા કરતા કોંગ્રેસ પાર્ટી આજે ભારત વિરોધી બની ગઈ છે. આતંકવાદીઓ વિરુદ્ધ થતી કાર્યવાહીના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. આતંકવાદી હુમલાઓને દુર્ઘટના ગણાવવામાં આવે છે. દેશ વિરોધી નિવેદનો આપીને કોંગ્રેસે ભારત માતાને કંલિકત કરવાનું કામ કર્યું છે.

મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી કાળ દરમિયાન પણ અભૂતપૂર્વ વિકાસ કામો હાથ ધર્યા હતા જેની અસર હેઠળ ગુજરાતમાં વિકાસ પ્રક્રિયા જોઈ શકાય છે. રોડ કનેક્ટીવીટી, બંદરોનો વિકાસ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન યોજના, ઉજ્જવલા યોજના જેવી યોજનાઓ લાગૂ કરવામાં આવી છે. દેશના લોકો વિકાસ કામગીરીથી ખુશ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પરેશાન દેખાઈ રહી છે. શિવરાજસિંહે કહ્યું હતું કે, ગુજરાત માટે આ ગૌરવની વાત છે કે, તેમના સપૂત આજે વડાપ્રધાન પદ ઉપર છે. શિવરાજે કહ્યું હતું કે, મોદીને ચોર કહેવું ગુજરાતની છ કરોડ જનતા તથા દેશની ૧૩૦ કરોડ જનતાનું અપમાન છે.

Share This Article