નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તમામ વિષય પર વાત કરી હતી. મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકના મુદ્દા પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. સર્જિકલ સ્ટ્રાઇકને લઇને પ્રશ્નો ઉઠાવી રહેલા લોકોને મોદીએ જવાબ આપ્યા હતા. મોદીએ કહ્યુ હતુ કે સુર્યાદય પહેલા પરત ફરવા માટેના આદેશ કમાન્ડોને આપવામાં આવ્યા હતા. ઓપરેશનમાં સફળળતા મળે કે ન મળે પરંતુ સુર્યોદય પહેલા કમાન્ડોને પરત ફરવા માટે કહેવામાં આવ્યુ હતુ.
૨૮મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે અંકુશ રેખા પાર કરીને ભારતીય સેનાએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ઓપરેશન પાર પાડ્યુ હતુ. શ્રેણીબદ્ધ ત્રાસવાદી લોન્ચિંગ પેડ ફુંકી મારવામાં આવ્યા હતા. ત્રાસવાદી અડ્ડા પર વ્યાપક હુમલા કરવામાં આવ્યા હતા. મોદીએ ઇન્ટરવ્યુ દરમિયાન લશ્કરી ઓપરેશનના સંબંધમાં પણ માહિતી પુરી પાડી હતી.
તેમણે કહ્યુ હતુ કે કમાન્ડોની સુરક્ષાને ધ્યાનમાં લઇને બે વખત હુમલાની યોજનાની તારીખ બદલી નાંખવામાં આવી હતી. કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાના ૨૦ જવાનોની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને હુમલા કર્યા હતા. મોદીએ માહિતી આપતા કહ્યુ હતુ કે ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલામાં ભારતીય જવાનોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેથી જવાનોમાં ભારે નારાજગી હતી. સાથે સાથે તેઓ પોતે પણ ખફા હતા.