આજે અમદાવાદ શહેરનો જન્મદિવસ છે. અમદાવાદ શહેરની સ્થાપનાને 611 પૂર્ણ થયા અને શહેર 612માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે હેરિટેજ સિટી અમદાવાદના જન્મદિવસની અનોખી ઉજવણી ‘ધ હેરિટેજ આર્ટ’ દ્વારા કરવામાં આવી. જે ઉજવણીમાં પ્રકાશ મનોદિવ્યાંગ નિવાસી શાળાના બાળકોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો.
ધ હેરિટેજ આર્ટ દ્વારા અમદાવાદના 612માં જન્મદિવસની ઉજવણી માનસિક દિવ્યાંગ બાળક સાથે કરવામાં આવી. શહેરના થલતેજ વિસ્તારમાં ગુજરાત કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની નિવાસી શાળા “પ્રકાશ વિશિષ્ટ શાળા” ખાતે કરવામાં આવી હતી. અમદાવાદના જન્મદિવસ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા 50થી વધુ બાળકોની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ધ હેરિટેજ આર્ટના સ્થાપક રિચા દલવાણી, સંસ્થાના ડાયરેક્ટર ડૉ. શ્રદ્ધા રાય, પ્રિન્સિપાલ વિનોદભાઈ સોની, ઇન્ચાર્જ દામિનીબેન પટેલ સહિત શિક્ષકો જોડાયા હતા.
ધ હેરિટજ આર્ટ દ્વારા આ ઉજવણી પોતાની સીએસઆર એક્ટિવીટી ‘ગીવબેક’ અંતર્ગત કરવામાં આવી હતી. જે અંતર્ગત બાળકોમાં અમદાવાદની ધરોહરથી પ્રેરિત ડાયરીઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત “પ્રકાશ” માનસિક દિવ્યાંગ નિવાસી શાળાની સ્થાપના વર્ષ 1979માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેનો હેતુ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના અંતરીયાળ ગામોના માનસિક દિવ્યાંગ બાળકોને શિક્ષણ અને તાલીમનો લાભ પુરો પાડવાનો છે.