સંયુક્તરાષ્ટ્ર : સંયુક્ત રાષ્ટ્રના નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફિનલેન્ડ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ખુશ રહેનાર દેશ પૈકી છે. ફિનલેન્ડમાં રહેતા લોકો વિશ્વમાં સૌથી ખુશાલ લોકો છે. બીજી બાજુ મુશ્કેલ પરિસ્થિતિમાંથી નિકળી રહેલા બુરંડીના લોકો સૌથી નિરાશ લોકો પૈકીના છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સૌથી વધારે ખુશ પ્રવાસી પણ ફિનલેન્ડમાં જ રહે છે. આનો મતલબ એ થયો કે વધારે ખુશ રહેવા માટે ફિનલેન્ડ જવાની જરૂર છે. ૧૫૬ દેશોની આ યાદીમાં ફિનલેન્ડ ગયા વર્ષે પાંચમાં નંબર હતું. આ યાદીમાં ભારત પોતાના પડોશી દેશ ચીન, પાકિસ્તાન, નેપાળ, ભુટાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હિંસાગ્રસ્ત મ્યાનમાર કરતા પણ પાછળ છે.
યાદીમાં પ્રથમ નંબર પર ફિનલેન્ડ છે.ત્યારબાદ જે દેશમાં લોકો સૌથી વધારે સુખી છે અને ખુશ છે તેમાં નોર્વે, ડેનમાર્ક, આઈસલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, કેનેડા, ન્યુઝીલેન્ડ, સ્વિડન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. હેરાની કરનાર બાબત એ છે કે, એશિયામાં પાકિસ્તાનના લોકો વધારે ખુશ દેખાઈ રહ્યા છે. યાદીમાં પાકિસ્તાન ૭૫માં ક્રમ ઉપર છે ત્યારબાદ ચીન ૮૬, ભુટાન ૯૭, નેપાળ ૧૦૧, બાંગ્લાદેશ ૧૧૫, શ્રીલંકા ૧૧૬, મ્યાનમાર ૧૩૦, ભારત ૧૩૩ અને અફઘાનિસ્તાન ૧૪૫માં ક્રમ ઉપર છે. અમેરિકા પણ પાછળ ધકેલાયું છે. અમેરિકા ૧૪માં નંબરથી ફેકાઈને હવે ૧૮માં સ્થાન ઉપર છે. પ્રવાસીઓના ખુશ રહેવાના મામલામાં ફિનલેન્ડ પ્રથમ ઉપર ત્યારબાદ ડેન્માર્ક, નોર્વે, ન્યુઝીલેન્ડ, આઇસલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સ્વિત્ઝર્લેન્ડ, મેક્સિકોનો સમાવેશ થાય છે. ફિનલેન્ડમાં કુલ ૫૫ લાખની વસ્તી છે જેમાં ત્રણ લાખ પ્રવાસીઓ છે.