હાલમાં જાણે બેન્કોના વિવિધ કૌંભાડોની જાણે સીઝન ચાલી રહી છે અને લોકોનો બેંકો પરથી વિશ્વાસ ઘટી રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે PSU બેન્કોને એક કરવાનો પ્લાન હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર PSU બેન્કોના કોન્સોલિડેશન પહેલાં તેમની સ્થિતિમાં સ્થિરતા આવે તેવું ઇચ્છે છે. ઉપરાંત, તેમણે IDBI બેન્કના ખાનગીકરણ માટે આ યોગ્ય સમય નહીં હોવાનું જણાવ્યું હતું.
આ બાબતે એક અધિકારી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, મોટા ભાગની બેન્કો સેક્ટરમાં સુધારાના એજન્ડા હેઠળ નવી માર્ગરેખાનું પાલન કરી રહી છે. તેમણે બેડ લોન અલગ તારવી છે અને તેની રિકવરીના પ્રયાસ ચાલુ છે. બેન્કોની બેલેન્સશીટ સ્વચ્છ થયા પછી PSU બેન્કો વધુ મજબૂત બનશે અને ત્યાર પછી અમે કોન્સોલિડેશન માટે વિચારીશું.
કેબિનેટે ગયા વર્ષે PSU બેન્કોના મર્જર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવાની જવાબદારી પ્રધાનોના પસંદગીના જૂથને સોંપી હતી. જોકે, મર્જરના પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય બેન્કોના બોર્ડ પર છોડવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં PNB કૌભાંડ સહિત બેન્કિંગ સેક્ટરના ઘટનાક્રમને કારણે સરકારે મર્જરનો નિર્ણય હાલ મોકૂફ રાખ્યો હોવાનું જણાય છે. જોકે, કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકાર માટે કોન્સોલિડેશન પ્રક્રિયાને ઝડપી બનાવવાનો આ યોગ્ય સમય છે.