કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો

Rudra
By Rudra 2 Min Read

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે.

ભાવ વધારા ની વાત કરીએ તો, સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવ હવે રૂ. 803થી વધી રૂ. 853 થશે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 500થી વધી રૂ. 550 થશે. નોંધ લેવી કે, રાજ્યવાર એલપીજી ગેસના ભાવો અલગ અલગ છે. અમદાવાદમાં એલપીજી ગેસનો ભાવ હાલ રૂ. 800 પ્રતિ 14.2 કિગ્રા છે. જો નવો ભાવ વધારો લાગુ થાય તો આવતીકાલથી ગૃહણીઓને ગેસ સિલિન્ડર માટે રૂ. 850 ચૂકવવા પડશે.

આ બાબતે પેટ્રોલિયમ અને નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, એલપીજી ગેસના ભાવોની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે. પેટ્રોલ-ડિઝલ પર પણ એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ રૂ. 2 વધારવામાં આવી છે. જો કે, તેનો બોજો સામાન્ય પ્રજા પર નહીં નાખવાનો આદેશ LPGને આપવામાં આવ્યો છે. એક્સાઈઝમાં વૃદ્ધિ પાછળનો ઉદ્દેશ ઓઈલ માર્કેટિંગ કંપનીઓે રૂ. 43000 કરોડનું વળતર આપવાનો છે. LPGને ગેસ સેગમેન્ટમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આ ભાવ વધારા પહેલાં અગાઉ બે વર્ષ સુધી એલપીજી ગેસના ભાવોમાં ઘટાડો કર્યો હતો. ગત વર્ષે 9 માર્ચ, 2024ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કર્યો હતો. તે પહેલાં 30 ઓગસ્ટ, 2023ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ રૂ. 200 સુધી ઘટાડ્યા હતા. ત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1103થી ઘટી 903 કરવામાં આવી હતી.

Share This Article