હૈદરાબાદ : છોકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ અસુરક્ષિત બની રહી છે. કોઈ ગમે ત્યારે તેમની પ્રાઈવેસી સાથે ખેલ ખેલી જાય છે. આવો એક મોટો મામલો સામે આવ્યો છે. હૈદરાબાદની સીએમઆર ગર્લ્સ હોસ્ટેલના વોશરુમમાં 300થી વધુ છોકરીઓના પ્રાઈવેટ વીડિયો ઉતારવાનો મામલો સામે આવતાં હડકંપ મચ્યો હતો.
મેડચલની સીએમઆર એન્જિનિયરિંગ કોલેજમાં બુધવારે જ્યારે ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છુપાયેલા કેમેરાથી વીડિયો બનાવવાનો આરોપ સામે આવ્યો ત્યારે ભારે હોબાળો થયો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો દાવો છે કે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 300 વાંધાજનક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ હોસ્ટેલ સ્ટાફ, ખાસ કરીને રસોડાના સ્ટાફ પર શંકા વ્યક્ત કરી છે અને કોલેજ મેનેજમેન્ટ પર આ મુદ્દાને દબાવી દેવાનો અને તેમને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થિનીઓને વોશરૂમમાં અનધિકૃત રેકોર્ડિંગની માહિતી મળી. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસની બહાર ભેગા થયા હતા અને ન્યાય અને જવાબદારીની માંગ કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) પણ વિરોધમાં જોડાઈ અને આ કેસની સંપૂર્ણ તપાસ અને ગુનેગારોને કડક સજાની માંગ કરી.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2024માં આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાની એસઆર ગુડલા વાલેરુ એન્જિનિયરિંગ કોલેજમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં ગુપ્ત કેમેરા મળી આવ્યો હતો. ત્યાં રેકોર્ડ થયેલા વીડિયો બોયઝ હોસ્ટેલમાં શેર કરવામાં આવ્યા હતા.