દિલ્હી સરકાર જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનોને હટાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. થોડા સમય પહેલા દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને ઉલ્લેખ કર્યો હતો કે, ઘરે પાર્ક કરેલી અનફિટ કાર પણ સરકારની નજરથી બચશે નહીં. તાજેતરમાં જ ગેરેજમાં પાર્ક કરેલું ૭૫ વર્ષ જૂનું વાહન જપ્ત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે સરકારને તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું છે. સરળ ભાષામાં હાઈકોર્ટે આ મામલે દિલ્હી સરકાર પાસે જવાબ માંગ્યો છે. અરજદારનું કહેવું છે કે ગેરેજમાં પાર્ક કરેલું ૧૯૪૮ મોડેલ હમ્બર તેના દાદાનું હતું, જે ઉપયોગમાં નથી. કારને વિન્ટેજ કાર તરીકે રજીસ્ટર કરવામાં આવે તે પહેલા તેને સમારકામ માટે ગેરેજમાં મોકલવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલામાં દિલ્હી સરકાર પાસેથી ન માત્ર જવાબ માંગ્યો છે, પરંતુ સરકારને આ કારને સ્ક્રેપ ન કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. અરજદારના વકીલનું કહેવું છે કે ગયા મહિને કેટલાક સરકારી અધિકારીઓએ મનસ્વી રીતે કાર જપ્ત કરી હતી. કાર જપ્ત કર્યા બાદ અધિકારીઓએ આપેલા કાગળોમાં કારનું નામ અને મોડલ બંને ખોટી રીતે લખવામાં આવ્યા હતા.
સરકાર અનફિટ અને જૂની કારને સ્ક્રેપ કરવાની સુવિધા પૂરી પાડે છે. આ પોલિસીનો ફાયદો ખાનગી અને કોમર્શિયલ બંને વાહનો માટે મેળવી શકાય છે. સ્ક્રેપ પોલિસીના ૩ ફાયદા છે. જેમાં ૧. નવા વાહનની એક્સ-શોરૂમ કિંમત પર ૪ થી ૬ ટકા સ્ક્રેપ વેલ્યુ મળશે જો વાહન સ્ક્રેપિંગ સેન્ટરમાંથી સ્ક્રેપ કરવામાં આવશે. ૨. નવા વાહનની ખરીદી પર નોંધણી ફીમાંથી મુક્તિનો લાભ. અને ૩. ઓટો કંપનીઓને સ્ક્રેપ પોલિસી હેઠળ વેચાતી નવી કાર પર ગ્રાહકોને ૫% ડિસ્કાઉન્ટ આપવાનું કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં ક્લાસિક અને વિન્ટેજ કેટેગરીમાં આવતી કુલ ૪૦૦ જેટલી કાર છે. ૪૦૦ કાર પૈકી અમદાવાદના દાસ્તાન ફાર્મ ખાતે આવેલા ઓટોવર્લ્ડમાં જ ૧૮૦ કારનું કલેક્શન છે. આ સાથે અન્ય ૧૧૨ કારનું પણકલેક્શન છે. આ ઉપરાંત અમદાવાદમાં ‘હેરિટેજ કાર શો’ નું પણ આયોજન કરવામાં આવે છે.