અમદાવાદ : ચેક રિટર્નના કેસોના વિષય સંદર્ભે કંઇક કેટલાય પુસ્તકો લખાયા હશે પરંતુ ચેક રિટર્નના કેસનો ટ્રાયલ કેવી રીતે ચલાવવો તે મુદ્દે એકદમ સરળ, વિગતવાર અને વિસ્તૃત છણાવટ કરતું ગુજરાતના કાયદાજગતમાં સૌપ્રથમવાર એક અનોખુ પુસ્તક ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ લખ્યું છે. જુનીયર વકીલો સહિત સમગ્ર વકીલઆલમ માટે બહુ ઉપયોગી અને માર્ગદર્શક એવું આ પુસ્તક સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ વકીલોની માતૃસંસ્થા ગુજરાત બાર કાઉન્સીલને ભેટ કર્યું હતું. તો સાથે સાથે તેમણે આ અનોખુ પુસ્તક તેમના ગુરૂ એવા હાઇકોર્ટના સિનિયર કાઉન્સેલ એસ.વી.રાજુ અને તેમના પત્ની રાધાબહેનને અર્પણ કરી કૃતજ્ઞતા વ્યકત કરી હતી.
નોંધનીય વાત એ છે કે, સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીના આ પુસ્તક માટે ફોરવર્ડ ખુદ હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ લખ્યું છે અને પ્રશંસા કરી છે, જે મહત્વનું કહી શકાય.બીજીબાજુ, રાજયના આશરે ૨૨૫થી વધુ વકીલમંડળોમાં આગામી તા.૨૧મી ડિસેમ્બરે મહત્વની ચૂંટણી આવી રહી હોઇ વકીલ ઉમેદવારો કે વકીલમંડળોએ ડિનર ડિપ્લોમસી સહિતની પ્રયુકિતઓ અજમાવવાના બદલે જુનીયર વકીલો અને તેમના સ્થાનિક વકીલમંડળના હિત માટે ચેક રિટર્નના કેસનો ટ્રાયલ કેવી રીતે ચલાવવો તે માર્ગદર્શક પુસ્તકનું વિતરણ કરી બહુ ઉપયોગી ભૂમિકા ભજવવી જાઇએ તેવી લાગણી પણ વકીલઆલમમાં ઉઠવા પામી છે. હાઉસ ઓફ લોના પ્રકાશક એસ.કે.ભુટાની દ્વારા પબ્લીશ અને હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી દ્વારા લિખિત આ પુસ્તકમાં સૌપ્રથમવાર ચેક રિટર્નના કેસમાં નોટિસથી લઇ ફરિયાદ કેવી રીતે કોર્ટમાં દાખલ કરવી, આરોપી પર ફરિયાદ દાખલ થાય તો બચાવ શું કરી શકાય, કેસ ચાલવા પર આવે ત્યારે ટ્રાયલ કેવી રીતે ચલાવવો, પુરાવો કેવી રીતે લેવો, સાક્ષીઓની જુબાની-ઉલટતપાસ, આરોપીએ એનઆઇ એકટની કલમ-૧૩૯ હેઠળ પુરાવાના અનુમાનનું ખંડન કેવી રીતે કરવું તે સહિતના અનેકવિધ મુદ્દાઓ અને વિષયો પર વિગતવાર ચેપ્ટર અપાયા છે. તો, હેન્ડરાઇટીંગ એક્ષ્પર્ટનો ઓપીનીયન, તેમની જુબાની અને ઉલટતપાસ, ચેક રિટર્નના કેસમાં ફરિયાદી અને આરોપી પક્ષ માટે સરળભાષામાં પ્રશ્નોત્તરી સહિત બહુ મહત્વના ૩૫૦થી ૪૦૦ પ્રશ્નો રજૂ કરાયા છે.
એટલું જ નહી, નેગોશીએબલ ઇન્સ્ટ›મેન્ટ એકટનો સમગ્ર ઇતિહાસથી માંડી તવારિખ ઉપરાંત ચેક રિટર્નના કેસોમાં નોટિસ, ફરિયાદ, મુદત અરજી, હાજર-મુકિત અરજી, સમાધાન પુરસીસ, દસ્તાવેજ રજૂ કરવાની અરજી, પુરાવો કેવી રીતે લેવો કે આપવો સહિતના ૩૯ જેટલા તૈયાર નમૂના જ વકીલોના હિતમાં પ્રસિધ્ધ કરાયા છે, જે બહુ ઉપયોગી સાબિત થાય તેમ છે. આ સિવાય નોટિસ આપ્યાથી મોડી ફરિયાદ દાખલ થાય અને ચુકાદો આવે ત્યાં સુધીની સમજૂતી ચાર્ટ સ્વરૂપે સમજાવવામાં આવી છે. આ સિવાય પુસ્તકમાં સુપ્રીમકોર્ટના અનેક મહત્વના ચુકાદાઓ, દસથી વધુ કાયદાઓનું સરળ અર્થઘટન અને છણાવટ પણ પુસ્તકમાં રજૂ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અગાઉ કાયદાજગતના વિવિધ વિષયો પર દસથી વધુ પુસ્તકો લખી ચૂકયા છે અને વકીલાતના ક્ષેત્રમાં ખાસ કરીને ક્રિમીનલ પ્રેકટીસમાં બહુ વર્ષોનો અને બહોળો અનુભવ ધરાવે છે. લગભગ ૧૧૦૦ જેટલા પાનાનું આ દળદાર અને સમગ્ર વકીલઆલમ માટે બહુ ઉપયોગી અને માર્ગદર્શક એવું આ પુસ્તક સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ તેમના ગુરૂ એવા હાઇકોર્ટના સિનિયર કાઉન્સેલ એસ.વી.રાજુ અને તેમના પત્ની રાધાબહેનને અર્પણ કર્યું હતું. જુનીયર વકીલો માટે તો ચેક રિટર્નના કેસમાં સિનિયર વકીલની ગરજ સારતુ એવું આ પુસ્તક છે. જુનીયર વકીલ સહિત સમગ્ર રાજયના વકીલઆલમ માટે આ પુસ્તક ઘણુ ઉપયોગી બની રહે તેમ છે.