અમદાવાદ :પરપ્રાંતિયો ઉપર થઇ રહેલા હુમલાઓને લઇને આક્ષેપબાજીનો દોર પણ શરૂ થઇ ગયો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, પરપ્રાંતિયો પર હુમલા માટે કોણ જવાબદાર છે તે તમામ લોકો જાણે છે. પરપ્રાંતિયો પર થઇ રહેલા હુમલાના સંદર્ભમાં હવે કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોરે તેમના સમુદાય પર થઇ રહેલા આક્ષેપોને રદિયો આપ્યો છે. ઠાકોર સમુદાય ઉપર હિંસા કરવાના આરોપોને ફગાવતા કોંગ્રેસી નેતા અલ્પેશે કહ્યું છે કે, આ પ્રકારના આક્ષેપો આધારવગરના છે. સાથે સાથે કમનસીબ પણ છે. આ કમનસીબ બાબત છે કે, અમારા ઉપર આક્ષેપ થઇ રહ્યા છે. અમે ક્યારે પણ હિંસાની વકાલત કરતા નથી. અમે હંમેશા શાંતિની વાત કરીએ છે.
તમામ ભારતીય ગુજરાતમાં બિલકુલ સુરક્ષિત છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઇ.કે. જાડેજાની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેણે અલ્પેશ ઠોકરના ઉપવાસ પર જણાવ્યું હતું કે, આ કોંગ્રેસ પ્રેરિત ઉપવાસ આંદોલન છે. એક ઉપવાસ હમણાં જ પૂરા થયા ત્યાં બીજા શરૂ થશે. પરપ્રાંતીય પર હુમલાઓ થયા છે અને અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેવી વાતને ભાજપ વખોડે છે. પરપ્રાંતીયો પર થયેલા હુમલાને લઇને અને અલ્પેશ ઠાકોરના ઉપવાસને લઇને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પરપ્રાંતીયો મુદ્દે કેટલાક લોકો વિડંબણા ઉભી કરે છે. પરપ્રાંતીયો પર જ્યાં જ્યાં હુમલાઓ થયા છે અને અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેવી વાતને ભાજપ વખોડે છે.