ફિલ્મ ગદર ૨ આજકાલ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને લોકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ૧૧ ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. પહેલા જ દિવસે ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે. જેનો સિલસિલો હજુ પણ યથાવત છે. તેવામાં ૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ પણ સની દેઓલ માટે ખૂબ જ ખાસ રહ્યો. રજા હોવાના કારણે આ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો થિયેટર્સમાં પહોંચ્યા. ૧૫ ઓગસ્ટે ફિલ્મનું કલેક્શન જોઇને તમે પણ ચોંકી જશો. બોક્સ ઓફિસ પર ગદર ૨ની ધૂમઃ સની દેઓલની ફિલ્મ ગદર ૨એ ફરી એકવાર થિયેટરોમાં ધૂમ મચાવી છે. ગદર ૨ જોવા આવેલા લોકોએ ફરી એકવાર એ જ માહોલનો અનુભવ કર્યો છે જે ૨૦૦૧માં ગદર એક પ્રેમ કથાની રિલીઝ દરમિયાન હતો. આવી સ્થિતિમાં બોક્સ ઓફિસ પર પણ તેના સારા આંકડા જોવા મળી રહ્યા છે. ફિલ્મ પર રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે. પહેલા દિવસે એટલે કે ઓપનિંગ ડે પર ગદર ૨એ ૪૦ કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મ માટે ૫મો દિવસ સૌથી ખાસ રહ્યો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે આ ગદર ૨ને વધુ પ્રેમ મળ્યો.
‘ગદર ૨’માં સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર પોતાના આઇકોનિક કેરેક્ટર તારા સિંહ અને સકીના તરીકે દર્શકોનું દિલ જીતી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૧માં આવેલી ‘ગદર એક પ્રેમ કથા’એ પણ કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા અને હવે તેની સિક્વલ ‘ગદર ૨’ પણ આ જ રસ્તે ચાલી રહી છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ‘ગદર ૨’ને સ્વતંત્રતા દિવસની રજાનો ભરપૂર ફાયદોઃ ફિલ્મની કમાણીની વાત કરીએ તો ઓપનિંગ વીકએન્ડ પર ‘ગદર ૨’નું શાનદાર કલેક્શન હતું. આ પછી આ ફિલ્મે મંડે ટેસ્ટ પણ પાસ કરી હતી અને ૩૮.૭ કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ‘ગદર ૨’એ ૧૫ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની રજાનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો અને તેને જોવા માટે થિયેટરોમાં દર્શકોની ભીડ જામી હતી. આ સાથે જ ફિલ્મ રિલીઝના ૫માં દિવસે કમાણીના શરૂઆતના આંકડા પણ આવી ગયા છે. સેકનિક અનુસાર, આ ફિલ્મે ૧૫ ઓગસ્ટે ૫૫ કરોડની કમાણી કરી છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ પહેલી ફિલ્મ હશે જેણે સ્વતંત્રતા દિવસ પર આટલું મોટું કલેક્શન કર્યુ છે. આ સાથે દુનિયાભરમાં ગદર ૨ની કમાણી અત્યાર સુધી ૨૨૮ કરોડની આસપાસ રહી છે. હાલમાં તો સની દેઓલની ગદર ૨ વર્ષ ૨૦૨૩ની સૌથી મોટી બોલિવૂડ ઓપનિંગ ફિલ્મ બની ગઇ છે. આ સાથે તે ઘણા વધુ રેકોર્ડ પણ તોડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કમાણીના મામલે તે જલ્દી જ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને પછાડી શકે છે.
અનિલ શર્માના ડાયરેક્શનમાં બની છે ‘ગદર ૨’: અનિલ શર્માના ડાયરેક્શનમાં બનેલી ‘ગદર ૨’ ૨૦૦૧માં આવેલી હિટ ફિલ્મ ‘ગદર’ની સિક્વલ છે. સિક્વલમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા ફરી એકવાર તારા સિંહ, સકીના અને જીતેની ભૂમિકાઓમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર તે અક્ષય કુમારની ઓએમજી ૨ને ટક્કર આપી રહી છે. જો કે કમાણીના મામલે ‘ગદર ૨’ અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી ૨થી ઘણી આગળ છે.