બ્રિટનમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ધ્યાન કેન્દ્રીત કરવાથી શરદી અને તાવ દૂર રહે છે.
વિસ્કેન્સીન મેડીસીન યુનિવર્સિટીના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે પુખ્તવયના લોકો ધ્યાન કેન્દ્રીત કરે છે અથવા તો ચાલવા જેવી હળવી કસરત કરે છે તે વ્યક્તિ આઠ સપ્તાહ સુધી એવા લોકોની સરખામણીમાં શરદી, ઉધરસથી ઓછા અસરગ્રસ્ત રહે છે જે આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરતા નથી. છેલ્લા અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે ધ્યાન કેન્દ્રીત કરવાથી મૂડમાં સુધારો થાય છે. સાથે સાથે ટેન્શનને દૂર કરવામાં મદદ મળે છે. આનાથી રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થઈ જાય છે. ધ્યાન કેન્દ્રીત કરવા અંગેનો ઉલ્લેખ હિંદુ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે.
પાંચમી અને છઠ્ઠી સદી દરમિયાન ધ્યાન કેન્દ્રીત કરવાના અન્ય તરીકાનો ઉલ્લેખ ચીન અને ભારતમાં કરવામાં આવ્યો છે. બ્રિટનના જાણીતા અખબાર ડેલી મેલે કહ્યું છે કે ૧૫૦ લોકોને ત્રણ જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. એક જૂથમાં ધ્યાન કેન્દ્રીત કરનાર લોકોને રાખવામાં આવ્યા હતા. બીજા ગ્રુપ માં આઠ સપ્તાહ સુધી દોડ લગાવનાર લોકોને રાખવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા વર્ગમાં કોઈપણ કામ નહીં કરતા લોકોને રાખવામાં આવ્યા હતા.
અભ્યાસ બાદ જાણવા મળ્યું કે શરદી, ગરમી, ગળામાં તકલીફ, તાવ જેવા લક્ષણો એવા લોકોમાં વધારે દેખાય છે જે લોકો કોઈપણ પ્રકારની શારીરિક કસરત કરતા નથી. અભ્યાસના તારણો એન્નાલ્સ ઓફ ફેમીલી મેડીસીનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.