કથાબીજ પંક્તિઓ:
છબિ સમુદ્ર હરિ રુપ બિલોકી;
એક ટક રહે નયન પટ રોકી.
–બાલકાંડ
બિપ્ર જેવાંઇ દેહિ દિન દાના;
સિવ અભિષેક કરહિ બિધિ નાના.
-અયોધ્યાકાંડ
પ્રાચિન,સનાતની,રામાયણમય દેશ ઇન્ડોનેશિયાની જાવાનીઝ સભ્યતાથી જોડાયેલી યોગ્યકર્તાની ભૂમિ પરથી આ બીજ પંક્તિઓ સાથે કથા આરંભ કરતા બાપુએ કહ્યું કે:ભગવાન મહાદેવની અસીમ કૃપાથી શ્રાવણના પવિત્ર દિવસોમાં આ દેશની ભૂમિ ઉપર નવ દિવસીય રામકથાનું અનુષ્ઠાન શરૂ કરી રહ્યા છીએ.વિશેષ આનંદ એ છે કે આ દેશનો સ્વાતંત્ર દિવસ આજે-૧૭ ઓગસ્ટે-જ છે ત્યારે બાપુએ દેશને,જનતા અને સરકારને શુભકામના આપતા પરમાત્મા તેમને સંપન્ન રાખે એવા શબ્દો ઉચ્ચાર્યા. બાપુએ કહ્યું કે ૮૦૦-૯૦૦ વર્ષ પહેલા અહીંનો રાજા પણ સનાતની હિન્દુ હતો.આખો દેશ રામાયણમય છે મૂળમાં રામાયણની સભ્યતા છે.શિવની,રામાયણની અને બુદ્ધની ભૂમિ પર આવવાની પ્રસન્નતા વ્યક્ત કરીને મનોરથી પરિવાર વિશે પણ બાપુએ વાત કરી. બાપુએ કહ્યું કે ગુજરાતીમાં સમુદ્ર શબ્દને સમંદર પણ કહે છે.જ્યાં જળ સમાન સ્તર ઉપર છે એ સમ-ઉદર એટલે સમંદર. બાપુએ કહ્યું કે આ પરિવારને કથા મળવી જ જોઈએ કારણ કે વર્ષોથી આ દેશમાં રહીને નિરંતર આંખો પરિવાર અખંડ રામાયણનો પાઠ કરે છે. એમની રામ પ્રીતિ અને રામચરિતમાનસ પ્રતિ નિષ્ઠાની પ્રસન્નતા બાપુએ વ્યક્ત કરી સાથે એ પણ જણાવ્યું કે ઈન્ડોનેશિયામાં ક્યારેક કોઈક મુશ્કેલીઓ આવી હોય,વિકટ પરિસ્થિતિ હોય એ વખતે વ્યાસપીઠ પોતાની રીતથી સેવાનો સંકલ્પ કરે છે ત્યારે મનોરથી પરિવારે દર વખતે ઇન્ડોનેશિયાની સેવા પોતાના દ્વારા કરી છે. બાપુએ કહ્યું કે સાહિત્યના નવ રસ,ભોજનના છ રસ,ઉપરાંત રામચરિત માનસમાં એક રસ-મધુરરસ અને બીજા પાંચ રસ.પણ એમાં સૌથી મહત્વનો રસ સેવારસ છે.એ સેવાના રસ ધરાવતા મનોરથી પરિવારને બાપુએ વધાઈ આપી.
બાપુએ કહ્યું કે અભિષેક શબ્દ ઉપર એક કથા- માનસ રુદ્રાભિષેક કરેલી.અભિષેક મોટાભાગે શિવનો-રૂદ્રનો જ થતો હોય.છતાં પણ રામનો રાજ્ય અભિષેક પણ થયો છે.રામચરિત માનસમાં અભિષેક શબ્દ ૧૬ વખત આવ્યો છે.રામચરિત માનસના અયોધ્યાકાંડ અને ઉત્તરકાંડમાં અભિષેક શબ્દની વધારે ચર્ચા થઈ છે.બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેબાપા કહેતા કે અયોધ્યાકાંડ યુવાનીનો કાંડ છે એટલે રુદ્રાભિષેક યુવાનોએ કરવો જોઈએ અને ઉત્તરા અવસ્થામાં પણ અભિષેક જરૂરી છે.રામચરિત માનસમાં માતૃ શરીરનો અભિષેક પાણીથી થતો નથી.પરંતુ બાલકાંડમાં દુર્ગાનો અભિષેક વાણીથી મા જાનકીજી કરે છે.આમ રુદ્રાભિષેક, રાજ્યભિષેક દુર્ગાભિષેક અને ચોથો જળ અભિષેક એ ઉપરાંત હૃદયનો અભિષેક પણ થાય છે.બાપુએ કહ્યું કે આ નવ દિવસ સુધી આપણે સમુદ્રનો અભિષેક કરીશું.કારણકે સમુદ્રના અભિષેકમાં આ બધા જ અભિષેક આવી જાય છે. રામચરિત માનસમાં સાગર શબ્દ ઘણી વખત આવ્યો છે.સમુદ્રના પર્યાયવાચી ઘણા શબ્દ છે.પણ ‘સમુદ્ર’ શબ્દ માત્ર સાત વખત આવ્યો છે કારણ કે સમુદ્ર પણ સાત છે! અહીં ઉઠાવેલી બે પંક્તિઓમાંથી એક પંક્તિમાં ભરતજી શિવનો અભિષેક કરે છે.શિવ સમુદ્ર છે તેથી રુદ્રાભિષેક પણ થઈ ગયો.ભગવાન રામ પણ સમુદ્ર છે,તો રામનો અભિષેક પણ થાય છે અને માનસ આપણું હૃદય છે એટલે હૃદયનો અભિષેક.આમ ત્રણેય પ્રકારના અભિષેકનું બીલીપત્ર મહાદેવના ચરણમાં આપણે અર્પણ કરીશું.
તુલસીદાસજી આનંદનો સાગર,છબિસમુદ્ર,શ્રવણ સમુદ્ર,શોકનો સમુદ્ર,મૂળ સમુદ્ર,કાળ સમુદ્ર એવા સમુદ્ર ગણાવે છે. પણ અભિષેક કરવો હોય તો પાંચ વસ્તુ જરૂરી છે: દૂધ,દહીં,ઘી,મધ અને સાકર-એટલે કે પંચામૃતથી અભિષેક થાય છે.જલાભિષેક પણ થતો હોય છે. અહીં એક પંક્તિ બાલકાંડમાં છે.નૈમિષારણ્યમાં સ્વયંભૂ મનુ અને શતરૂપા ગોમતીના તટ ઉપર ખૂબ કઠિન તપસ્યા કરે છે અને એ વખતે ભગવાન પ્રગટ થાય છે ત્યારે ભગવાનને એકીટશે-છબિસમુદ્રની રીતે મનુ-શતરૂપા નિહાળે છે એ પંક્તિ અહીં લેવામાં આવી છે.
રામ વનવાસ,દશરથનું મૃત્યુ અને અયોધ્યામાં અનર્થ શરૂ થાય છે એ વખતે ભરતજીને અપ્રિય સપનાઓ આવે છે.બાપુએ કહ્યું કે જેટલું અંતઃકરણ સાફ હોય સપના એટલા વધારે સ્પષ્ટ કહી શકાય છે અને ભરતજી રાત્રે જાગે છે,બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવે છે,દાન આપે છે અને એ પછી રુદ્રાભિષેક કરાવે છે અને ખરાબ સપનાઓમાંથી મુક્તિ માટેનો ઉપાય કરે છે. બાપુએ ભગવાન બુદ્ધના આત્મ બોધ જ શબ્દ ઉપર સુનિત નામના એક દલિત વિશેની વાત કહી.બુદ્ધ ભગવાન એને નવડાવે છે અને બોલે છે કે આજે મેં અભિષેક કર્યો છે.બુદ્ધના આ કદમ ઉપર ખૂબ મોટો વિરોધ થાય છે.દરેક કાળમાં આવા વિરોધ થતા હોય છે.ગાંધીએ પણ આવું મહાન કાર્ય કરેલું ત્યારે જગતે વિરોધ કરેલો.બુદ્ધ સુનિત નામના દલિતને સ્નાન કરાવે છે.દીક્ષા આપે છે અને સંઘમાં લે છે.પ્રસેનજિત રાજાને પણ આ સારું લાગતું નથી.એ વખતે બુદ્ધ કહે છે કે આત્મબોધ થાય ત્યારે વર્ણ કે જાતિ જરૂરી નથી,મૈત્રી અને કરુણા જરૂરી છે. બાપુએ કહ્યું કે સાધુને જ્ઞાન ગંભીર્ય નહીં પણ ગો ગાંભીર્ય જરૂરી છે.જેમ ગાય ઉભા-ઉભા અથવા તો બેઠા-બેઠા અનેક જગ્યાએથી આરોગેલું ઘાસ વાગોળે છે એ એનું ગો ગાંભીર્ય છે. એ પછી માનસના મહિમાની અંદર સાત સોપાન તથા બાલકાંડમાં રહેલા સાત મંત્રો દ્વારા મંગલાચરણનું ગાન કરી અને ગુરુ વંદના કરતી વખતે બાપુએ તુલસીદાસજીના પંચશીલની વાત કરી.વચ્ચે આઠ પંક્તિમાં તુલસીદાસજી ગુરુની વંદના કરે છે એ તુલસીજીનું ગુરુ અષ્ટક છે.વંદના પ્રકરણમાં હનુમાનજીની વંદના કરીને આજની કથાને વિરામ આપવામાં આવ્યો. રામકથાના પ્રથમ દિવસના આરંભે મનોરથી પરિવારનાં બાળકો-અભિનંદન,આરુષા અને અનંતે અહીંની સંસ્કૃતિ વિશેની વાત સાથે સૌનું સ્વાગત કર્યું.
*કથાવિશેષ:
જ્યાંથી આ કથા ગવાઇ રહી છે એ યોગ્યકાર્તા વિશે શેષ-વિશેષ:
યોગ્યકર્તા-યોગ્યકાર્તા ઉપરાંત યોગ્યકાર્ટા એવા નામથી ઓળખાતું સ્થળ એ ઇન્ડોનેશિયાનાં યોગ્યકાર્ટા પ્રાંતનું પાટનગર છે.
આ સ્થળને ઇન્ડોનેશિયા તથા જાવાનું સાંસ્કૃતિક કેન્દ્ર માનવામાં આવે છે.
આશરે ૨૧૬૦ ચો.કિમી.માં ફેલાયેલા આ શહેરની વસતિ ૪૦ લાખથી વધારે છે.
ઇંન્ડોનેશિયન રાષ્ટ્રીય ક્રાંતિ ચળવળ ૧૯૪૬થી૧૯૪૮ વચ્ચે એ દેશની રાજધાની પણ રહેલી.
આ શહેર યોગ્યકાર્તા સલ્તનતની રાજધાની હતી.હાલ અહીં સુલતાન હમેન્ગકુબુવોનો દસમાં છે.
૦.૮૩૭ની સાથે યોગ્યકર્તા ઇન્ડોનેશિયાનાં લૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા શહેરોમાંનું એક છે.વિકસિતનો દરજ્જો પ્રાપ્ત કરેલા આ શહેરમાં ૮૩% લોકો ઇસ્લામ ધર્મને અનુસરે છે.ઉપરાંત ખ્રિસ્તી,બૌધ્ધ અને હિંદુઓ પણ વસે છે. ઇન્ડોનેશિયા ખૂબ પૌરાણિક સમયમાં સનાતનની સંસ્કૃતિથી પ્રભાવિત હતું.મુખ્ય ઇસ્લામ,બૌધ્ધ,ખ્રિસ્તી સાથે અનેક ધર્મ અહીં છે.પણ રામાયણનું સાંસ્કૃતિક અને અધ્યાત્મિક મહત્વ છે.યોગ્ય કર્તા શબ્દ અયોધ્યાથી પ્રેરિત છે. યોગ્ય એટલે બરાબર અને કર્તા એટલે સમૃદ્ધિ.જે સમૃદ્ધિ માટે યોગ્ય છે-એવું સ્થળ.
આજે ૧૭ ઓગસ્ટ ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ બાપુના આશિષ મળ્યા એટલે વિશેષ બની રહ્યો. અહીં જાવાનીઝ સંસ્કૃતિનું પ્રસિદ્ધ યુનેસ્કોનું હેરિટેજ સાઇટ ૯મી સદીની અંદર બનેલું બ્રહ્માનંદ મંદિર જ્યાં ત્રિદેવ-બ્રહ્મા,વિષ્ણુ અને મહેશની વિશાળ મૂર્તિઓ રાખવામાં આવેલી છે.
૪૦ હેક્ટરમાં આ સ્થળ ફેલાયેલું છે અને પરિસરમાં ૧૧૦ બાય ૧૧૦ મીટર લંબાઇ અને ૪૭ મીટર ઊંચું સૌથી ઊંચું શિવ મંદિર છે.
અહીં પરિસરમાં રામાયણની ચોપાઈઓ કોતરાયેલી છે.
સાથે-સાથે અન્ય હેરિટેજ સાઇટ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ભગવાન બુદ્ધનું દુનિયાનું મોટામાં મોટું સ્તુપ ૧૫૧૩૦ સ્ક્વેર મીટરનાં વિશાળ પરિસરમાં ૪૨ મીટર ઊંચાઈનું મંદિર છે.જ્યાં ૫૦૪ બુદ્ધ મૂર્તિઓ અને ૨૪૦૦ અન્ય મૂર્તિઓ રાખવામાં આવેલી છે. અહીં સનાતનધર્મ,બુદ્ધધર્મ અને ઇસ્લામ ધર્મનું સહ અસ્તિત્વ દેખાય છે.
આ સુંદર જાવા ટાપુ જે શૈલેન્દ્ર રાજવંશ સાથે જોડાયેલો છે.