નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં કારમી હાર ખાધા બાદ આજે કોંગ્રેસ પાર્ટીની સંસદીય દળની બેઠક યોજાઇ હતી. જેમાં પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીએ તમામ સાંસદોને સંઘર્ષ માટે મંત્ર આપ્યો હતો. સાથે સાથે પાર્ટી કાર્યકરોનો આભાર માન્યો હતો. કોંગ્રેસ પ્રમુખે પાર્ટીના કાર્યકરોનો આભાર માનતા કહ્યુ હતુ કે કોંગ્રેસ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને યાદ રાખવાની જરૂર છે કે આ લડાઇ બંધારણને બચાવવા માટેની છે. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસના બાવન સાંસદ ભાજપ સામે ઇંચ ઇંચ પર લડવા માટે તૈયાર છે. લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીની સામે મોદી સરકારને ઘેરવા માટે રણનિતી બનાવવા માટેની બાબત પણ મુશ્કેલરૂપ દેખાઇ રહી છે. કોંગ્રેસ પ્રમુખે નવા ચૂંટાયેલા સાંસદોને ન્યાય અને બંધારણ માટે સંઘર્ષ કરવાની સલાહ આપી હતી.
તેમણે કહ્યુ હતુ કે બાવન સાંસદ મળીને સંઘર્ષ કરી શકે છે. ભલે સંખ્યાબળ ઓછુ છે પરંતુ અમે લડીશુ. અ૬ે નોંધનીય છે કે પાર્ટીના ખરાબ દેખાવ બાદ કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં રાહુલે રાજીનામુ આપી દેવાની ઓફર કરી હતી. દરમિયાન કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધી ફરી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઇ આવ્યા હતા. પહેલા નેતા રાહુલને ચૂંટી કાઢવાની શક્યતા હતી. કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરનાર ૧૨ કરોડથી વધારે મતદારોનો સોનિયા ગાંધીએ આભાર માન્યો હતો. બંપર બહુમતિ સાથે ભારતીય જનતા પાર્ટીની સત્તામાં ફરી વાપસી થઇ છે. જેથી કોંગ્રેસ સામે પડકારો અનેક રહેલા છે.