નવીદિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે આજે મોદી સરકારની છાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, નોટબંધીના પરિણામ સ્વરુપે ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડી ચુક્યો છે. મોટી સંખ્યામાં લોકોની નોકરી જતી રહી છે. ઉદ્યોગો બંધ થઇ ગયા છે. જીડીપી ગ્રોથમાં ઘટાડો થયો છે. શ્રેણીબદ્ધ ટ્વિટમાં પૂર્વ નાણામંત્રીએ કહ્યું છે કે, આરબીઆઈના આંકડા સૂચન કરે છે કે, સરકારે માત્ર ૧૩૦ અબજ રૂપિયાની નોટબંધી કરી હતી.
દેશે આના માટે ભારે કિંમત ચુકવી છે. વિકાસની દ્રષ્ટિએ ભારતીય અર્થતંત્રને જીડીપીના ૧.૫ ટકા સુધીનું નુકસાન થયું છે. એક વર્ષમાં ૨.૨૫ ટ્રિલિયન રૂપિયનું નુકસાન થયું છે. ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. ૧૫૦ મિલિયનથી વધુ લોકો જે દરરોજ કમાણી કરે છે તે લોકોએ સપ્તાહો સુધી તેમની આજીવિકા ગુમાવી દીધી હતી. હજારોની સંખ્યામાં એસએમપી યુનિટો બંધ થઇ ગયા હતા. લાખોની સંખ્યામાં લોકોની નોકરી જતી રહી હતી.
ચિદમ્બરમે કહ્યું છે કે, આરબીઆઈના કહેવા મુજબ તમામ રૂપિયા પરત આવી ગયા છે. માત્ર ૧૩૦ અબજ રૂપિયાની નાનકડી રકમ સિવાય ૧૫.૪૨ ટ્રિલિયન પૈકીના દરેક રૂપિયા આરબીઆઈમાં પરત આવ્યા છે. તેમને શંકા છે કે, ૧૩૦ અબજની આ રકમ નેપાળ અને ભૂટાનમાં હોઈ શકે છે. કેટલીક રકમ ડિસ્ટ્રોઇ કરી દેવામાં આવી છે. પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે, ત્રણ ટ્રિલિયન રૂપિયા પરત આવશે નહીં. ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ ૯૯.૩ ટકા રકમ બેંકિંગ સિસ્ટમમાં પરત ફરી છે. ચિદમ્બરમે આજે સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.