નવી દિલ્હી : ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) હેકિંગ વિવાદના ત્રણ દિવસ બાદ મુખ્ય ચૂંટણી કમીશનરે આજે સાફ શબ્દોમાં કહ્યુહતુ કે બેલેટ પેપરથી ફરી ચૂંટણી યોજનાનો કોઇ પ્રશ્ન જ નથી. આ રીતે ચૂંટણી કમીશનરે કોંગ્રેસ સહિતના જુદા જુદા પક્ષોની માંગણીને ફગાવી દીધી હતી. તેમણે કહ્યુ હતુ કે અમે ફરી ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરોનો ઉપયોગ ચૂંટણીમાં કરવા જઇ રહ્યા નથી. લંડનમાંહાલમાં હેકથોનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં એક સાઇબર નિષ્ણાંતે દાવો કર્યો હતો કે ભારતમાં ઉપયોગ કરવામાં આવતા ઇવીએમને હેક કરવામાં આવી શકે છે.
સાઇબર નિષ્ણાંત સૈયદ શુઝાએ કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગેરરિતી આચરવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ને લઇને ઉઠેલા વિવાદમાં વધારો થતાં ચૂંટણી પંચે ૨૨મી જાન્યુઆરીના દિવસે દાવો કરનાર સાયબર નિષ્ણાત સૈયદ શુઝા સામે એફઆઈઆર દાખલ કરવા દિલ્હી પોલીસને આદેશ કર્યો હતો. શુઝાએ ૨૧મી જાન્યુઆરીના દિવસે દાવો કર્યો હતો કે, ભારતમાં ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવતા ઇવીએમને હેક કરી શકાય છે.
ચૂંટણી પંચે આની ગંભીર નોંધ લઇને આ મામલામાં એફઆઈઆર દાખલ કરીને જરૂરી તપાસ કરવા આદેશ કર્યો હતો. ઇસીઆઈએ પોતાના પત્રમાં કહ્યું છે કે, કેટલાક મિડિયા રિપોર્ટ મારફતે પંચે નોંધ લઇને આ બાબતની નોંધ લીધી છે કે, સૈયદ શુઝાના દાવામાં તપાસ કરવામાં આવે તે જરૂરી છે. સૈયદ શુઝાએ દાવો કર્યો છે કે તેઓ ઇવીએમ ડિઝાઈન ટીમના સભ્ય હતા અને તેઓ ભારતમાં ઉપયોગ થઇ રહેલા ઇવીએમને હેક કરી શકે છે. ઇસીઆઈએ દિલ્હી પોલીસને તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.