ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા સામેની ત્રીજી કેપ ટાઉન ટેસ્ટમાં બોલ સાથે ચેડાં કરતાં રંગે હાથ પકડાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ કેપ્ટન વોર્નર સહિતના ટીમ મેનેજમેન્ટની સૂચના મુજબ ઓપનર બનક્રોફ્ટે બોલ સાથે ચેડાં કર્યા હતા અને તે આખી ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ ગઇ હતી. આ પછી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે રાતોરાત કેપ્ટન તરીકે સ્મિથની અને વાઈસ કેપ્ટન તરીકે વોર્નરની હકાલપટ્ટી કરી દીધી છે.
કેપ ટાઉનમાં ત્રીજા દિવસની રમત બાદ મીડિયા સામે આવીને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને બનક્રોફ્ટે આ અંગે પોતાનો ગુનાની કબુલાત કરી હતી અને માફી માગી હતી. જોકે આટલા મોટા ઘટનાક્રમ બાદ સ્ટીવ સ્મિથે કેપ્ટન તરીકે રાજીનામું આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. જોકે બનક્રોફ્ટે સ્પષ્ટ કહ્યું હતુ કે, તેને બોલની સાથે ચેડાં કરવાનો આદેશ ટીમના લીડરશીપ ગ્રુપ તરફથી મળ્યો હતો. જેના કારણે સ્મિથના રાજીનામાની માગ પ્રબળ બની હતી.
આખી ઘટનામાં ઓસ્ટ્રેલિયાના કોચ ડેરૈન લેહમેનની ભૂમિકા પણ અત્યંત શંકાસ્પદ રહી હતી. વિવાદ વધી પડતાં આખરે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તેમજ રમત મંત્રાલયે પણ આ મામલે દરમિયાનગીરી કરી હતી અને સ્ટીવ સ્મિથની કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરવા માટે માંગણી કરી હતી. જેના પરીણામે આખરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે રાતોરાત રાષ્ટ્રીય ટીમના કેપ્ટન તરીકે સ્ટીવ સ્મિથની અને વાઈસ કેપ્ટન તરીકે ડેવિડ વોર્નરની હકાલપટ્ટી કરી હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની આ પ્રકારની ખેલદિલી રહિતની રમત અને છેતરપિડીં કરવાની ઘટનાથી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.