જમુઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી કેમ્પોની સામે સેનાના અભિયાનના પુરાવા માંગવાના મુદ્દા ઉપર વિપક્ષી પાર્ટીઓ ઉપર ફરી પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, રાજકીય પક્ષો પાકિસ્તાનના પ્રવક્તાની જેમ દેખાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણીની ઘોષણા થયા બાદ બિહારમાં પોતાની પ્રથમ રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, મતદારોને નિર્ણય લઇ લેવો જોઇએ કે તેઓ પાકિસ્તાનના એવા મદદગારોને સત્તા સોંપવા માંગે છે જે પુરાવા માંગીને સશસ્ત્ર દળોના મનોબળને તોડી પાડવા માંગે છે કે પછી સેનાને મજબૂત કરવા માંગે છે. મોદીએ જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાન પદને લઇને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના નિવેદન ઉપર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે, કોંગ્રેસ અને યુપીએ જે મહામિલાવટનો હિસ્સો છે તે આ મુદ્દા ઉપર પોતાનું વલણ સ્પષ્ટ કરે.
મોદીએ વિરોધ પક્ષોના મહાગઠબંધનને મહામિલાવટ કહીને પ્રહાર કરતા રહ્યા છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ કેટલાક વિરોધ પક્ષોના નેતાઓના નિવેદનને લઇને જોરદાર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, તેઓ ભારતની રાજનીતિ કરનાર નેતાઓ દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાનના પ્રવક્તાની જેમ વર્તન કરી રહ્યા છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, જ્યારે જ્યારે દેશની સૌથી જુની પાર્ટી અને તેમના સાથી પક્ષો સત્તામાં આવ્યા છે ત્યારે અનેક બનાવો બનતા રહ્યા છે.
આતંકવાદી ગતિવિધિ વધતી રહી છે. કાળા નાણાંમાં વધારો થયો છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી ઉપર પરોક્ષરીતે પ્રહાર કરતા કહ્યું હતું કે, જે લોકોએ જેપીના સોગંદ લીધા હતા તે લોકો હવે કોંગ્રેસ સાથે હાથ મિલાવી ચુક્યા છે. અનામત ખતમ કરવાને લઇને આરોપ પર મોદીએ કહ્યું હતું કે, મોદીને છોડી દેવામાં આવે તો કોઇપણ અનામતને ખતમ કરી શકે તેમ નથી. અમે સામાન્ય વર્ગના આર્થિકરીતે નબળા વર્ગના ૧૦ ટકા લોકોને અનામતની જાગવાઈ કરી છે પરંતુ એસસી, એસટી અને ઓબીસી અનામતને કમજોર કરવાના પ્રયાસ આવ્યા નથી. મોદીએ ઉમેર્યું હતું કે, ચૂંટણી નજીક આવવાની સાથે જ વિરોધ પક્ષો દુષ્પ્રચાર કરવા લાગી ગયા છે જેમાં અનામતને ખતમ કરવાની વાત કરવામાં આવી રહી છે. જમુઇ લોકસભા સીટ પરથી ચિરાગ પાસવાનની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધતા મોદી કહ્યું હતું કે, બાબા સાહેબની આવી અવગણના કોંગ્રેસ પાર્ટી સિવાય અન્ય કોઇએ કરી નથી.
ભારતીય બંધારણના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર આંબેડકરને પરાજિત કરવા માટે કોંગ્રેસે તમામ જતન કર્યા હતા. દરેક સંભવિત પ્રવાસો કર્યા હતા. લોકોના દિલોદિમાગ પરથી આંબેડકરની યાદોને ખતમ કરવાના પ્રયાસ પણ કરાયા હતા. મોદીએ આંબેડકર સાથે જાડાયેલા પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસિત કરવામાં ભૂમિકા ભજવી છે. નીતિશકુમારના શાસનમાં પાર્ટી મજબૂત બની છે. મોદીએ પોતાના સંબોધનમાં અંતે મેં ભી ચોકીદાર, ગલી ગલી મેં ચોકીદારના નારા લગાવ્યા હતા.
મોદીએ જમુઈ અને ગયામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. મોદીએ ગયામાં નીતિશકુમારની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સમાજમાં મહેનત કરનાર લોકોની મજાક કરનાર લોકો કોઇને પણ પસંદ પડી શકે તેમ નથી. આજે દુનિયા ભારતની સાથે છે ત્યારે મહામિલાવટી લોકો હચમચી ઉઠ્યા છે. જે લોકો ચોકીદારથી ભયભીત છે તે લોકો દેશના ઇમાનદાર લોકો હોઈ શકે નહીં. દેશવાસીઓને તેઓ અપીલ કરવા માંગે છે કે, રાષ્ટ્રીય સુરક્ષા, કાશ્મીર, જવાનો, સુરક્ષા દળો ઉપર ધ્યાન તેઓ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં સાવચેતીપૂર્વક વિરોધીઓના હિસાબ ચુકતે કરવાનો સમય છે.