અમદાવાદ : અમદાવાદ શહેરમાં પણ છેલ્લા કેટલાક સમયથી દિલ્હીની જેમ હવાના પ્રદૂષણનું પ્રમાણ ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યું છે, શ્વાસમાં પ્રદૂષિત હવાના કારણે ફેફસાના કેન્સરની શકયતા વધી જાય છે. કારણ કે, ફેફસાના કેન્સર માટે સૌથી મુખ્ય કારણોમાં એક કારણ હવાનું પ્રદૂષણ પણ છે. હવાનાં પ્રદૂષણથી ફેફસાનું કેન્સર થવાનું જોખમ ૪૩ ટકા રહેલું છે. નવેમ્બર માસની ઉજવણી લંગ કેન્સર અવેરનેસ મન્થ તરીકે કરાતી હોય છે ત્યારે આ વિષય પર નજર કરીએ તો, છેલ્લાં અઢી દાયકામાં કેન્સરનાં કેસોમાં બે ગણો વધારો થયો છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)નાં ડેટા મુજબ, વર્ષ ૨૦૧૬માં ભારતમાં કેન્સરનાં ૧૪ લાખ દર્દીઓ હતાં અને આ આંકડો વધવાની અપેક્ષા છે. એમ અપોલો હોસ્પિટલ સીબીસીસીનાં ડો. શિરિશ અલુર્કરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્સર વિશેના રિસર્ચ અને અભ્યાસો દર્શાવે છે કે, ચાલુ વર્ષે કેન્સરનાં કારણે ભારતમાં ૯.૬ મિલિયન લોકો કેન્સરનો ભોગ બનશે. કુલ કેન્સરના કેસોમાં સ્તનનું કેન્સર, સર્વાઇકલ કેન્સર, મુખનું કેન્સર અને ફેફસાનું કેન્સર સંયુક્તપણે ૪૧ ટકા હિસ્સો ધરાવે છે. લાન્સેટનાં અભ્યાસ મુજબ, ગુજરાતમાં ફેફસાનાં કેન્સરથી લાખ દીઠ ૬.૮ વ્યક્તિઓ પીડિત છે. કેન્સરની ગાંઠ કેન્સરનાં કોષોનાં જૂથમાં હોય છે, જે મોટી થઈ શકે છે અને નજીકની પેશીનો નાશ કરી શકે છે તથા શરીરનાં અન્ય ભાગોમાં ફેલાઈ પણ શકે છે. જ્યારે ફેફસાનાં કોષોમાં કેન્સર શરૂ થાય છે, ત્યારે એને પ્રાથમિક કક્ષાનું ફેફસાનું કેન્સર કહેવાય છે.
જોકે તાજેતરનાં અભ્યાસ અને પ્રવાહોમાં જાણકારી મળી છે કે, ફેફસાનાં કેન્સરમાં મુખ્ય કારણોમાંનું એક કારણ હવામાં પ્રદૂષણમાં વધારો અને હવાની નબળી ગુણવત્તા છે. અપોલો હોસ્પિટલ સીબીસીસીનાં ડો. શિરિશ અલુર્કરે વધુમાં ઉમેર્યું હતું કે, ફેફસાનાં કેન્સરનાં કેસોમાં વધારો ચેતવણીજનક છે. ફેફસાનું કેન્સર હવે ધુમ્રપાન કરતી વ્યક્તિઓ સુધી સિમિત નથી. અગાઉની સરખામણીમાં ફેફસાનાં કેન્સર ધરાવતાં દર્દીઓની સંખ્યામાં આશરે ૨૦ ટકા વધારો થઈ શકે છે. આ માટે સૌથી વધુ જવાબદાર પરિબળ હવાનાં પ્રદૂષણમાં વધારો છે. તાજેતરનાં અભ્યાસો દર્શાવે છે કે, ગુજરાતમાં ફેફસાનાં કેન્સરનાં કુલ કેસમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ જવાબદાર છે અથવા હવાનાં પ્રદૂષણથી ફેફસાનું કેન્સર થવાનું જોખમ ૪૩ ટકા છે. ફેફસાનાં કેન્સર માટે અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે. આ માટે મુખ્ય કારણ ધુમ્રપાન છે, જેમાં ધુમ્રપાન કરવાનાં વ્યક્તિ કે ધુમ્રપાન ન કરનાર વ્યક્તિ (પેસિવ સ્મોકિંગથી ફેફસાનું કેન્સર થાય છે) સામેલ છે. રેડિયોએક્ટિવ ગેસ રેડોનનાં સંસર્ગમાં આવવાથી પણ ફેફસાનું કેન્સર થઈ શકે છે. ફેફસાનું કેન્સર એસ્બેસ્ટોસ, કોક, આર્સેિનક અને યુરેનિયમનો સંસર્ગ આવવાથી પણ થઈ શકે છે. દર્દીઓ ફેફસાનાં કેન્સરનાં ચિહ્નોને પ્રાથમિક તબક્કામાં ઓળખવામાં ઘણી વાર નિષ્ફળ નિવડે છે. ફેફસાનાં કેન્સરનાં લક્ષણો જાઇએ તો, લાંબા સમય સુધી કફ, કફમાં લોહી, છાતીમાં દુઃખાવો, શ્વાસ ચઢવો, ગળામાં સસણી બોલવી, વજનમાં ઘટાડો, થાક લાગવો વગેરે છે.
ફેફસાનાં કેન્સરનું નિદાન અને એની સારવાર શક્ય એટલી વહેલી કરાવવી મહ¥વપૂર્ણ છે. ડો. શિરિશ અલુર્કરે જણાવ્યું કે, કેન્સર હોવાની શંકાનાં કેસમાં છાતીનો એક્સ-રે, સીટી સ્કેન અને પીઇટી સીટી સ્કેન કેન્સર હોવાનું નિદાન કરવા માટે હાથ ધરવામાં આવે છે. જો સીટી સ્કેનમાં કેન્સર હોવાનું નિદાન થાય, તો બ્રોન્કોસ્કોપી અને બાયોપ્સી કરવામાં આવે છે, જેમાં પરીક્ષણ માટે ગાંઠમાંથી કોષોનાં નાનાં નમૂનાં લેવામાં આવે છે. રોગનું નિદાન જેટલું ઝડપથી થાય એટલાં જ પ્રમાણમાં રોગની સંપૂર્ણ સારવાર થવાની શક્યતા વધે છે. ફેફસાનાં કેન્સરની સારવાર સર્જરી દ્વારા થઈ શકે છે, જેમાં ગાંઠના કદને આધારે સ્વસ્થ પેશીનાં માર્જિન સાથે ગાંઠ ધરાવતા ફેફસાનાં નાનાં ભાગને દૂર કરવા વેજ રિસેક્શન કરવામાં આવશે અથવા સંપૂર્ણ ભાગને નહીં પણ ફેફસાનાં મોટાં ભાગને દૂર કરવા સેગમેન્ટેલ રિસેક્શન કરવામાં આવે છે અથવા એક ફેફસાનાં એક ભાગને સંપૂર્ણપણે દૂર કરવા લોબેક્ટોમી અથવા સંપૂર્ણ ફેફસું દૂર કરવા ન્યૂમોનેક્ટોમી કરવામાં આવે છે. અત્યારે ફેફસાનાં કેન્સરમાં ઇમ્મયુનોથેરપીની ભૂમિકા પણ વિકસી રહી છે. રેડિયેશન થેરપી શરીરની બહારથી (એક્ષ્ટર્નલ બીમ રેડિયેશન) કે સોય, સીડ્સ કે કેથેટર્સ મારફતે આપી શકાશે, જે ગાંઠની નજીક શરીરની અંદર આપવામાં આવે છે.